ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટૉરીઅમ ખાતે ગત તારીખ ૦૫/૦૬/૨૦૧૯ના રોજ યોજાયેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્પર્ધા ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦’ વિજેતાઓને સન્માનિત કરવાના હેતુસર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરની વિવિધ સોસાયટીઓ, શાળાઓ, હોસ્પિટલો અને હૉટલો મળી કુલ ૨૫૨ સંસ્થાઓએ ભાગ લીધો હતો. તે પૈકી જિલ્લાની શ્રેષ્ઠ સ્વચ્છ શાળા તરીકે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રથમ સ્થાન હાસલ કરવામાં સફળ રહી હતી. ખરેખર આ સિદ્ધિ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓએ સામાન્ય સમાજને સ્વચ્છતાનાં ક્ષેત્રે પથ દર્શન કરી નવી પ્રેરણાપૂરી પાડી હતી. પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત આ શાળાની વિશેષ સિદ્ધિ જોઈ ઉપસ્થિત મેયર, કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓ સહીત બહોળી સંખ્યામાં ઓડિયન્સ દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન આપી તાળીઓના ગડગડાટથી વધાવી હતી. ટ્રોફી સ્વીકારતી વેળાએ સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ‘ભાવનગર મ્યુનિસિપાલીટી દ્વારા આ નવું અભિયાન છેડી સ્વચ્છતાના ક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે જેના પરિણામ સ્વરૂપ ભાવનગરએ રાજ્યની સાંસ્કૃતિક નગરી તો છે જ પરંતુ હવે સ્વચ્છ નગરી તરીકે તો ઓળખાય જ છે પરંતુ આવા અભિયાન દ્વારા નગરજનોને પ્રોત્સાહિત કરી સ્વચ્છતાના ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ગૌરવ મેળવવા અગ્રેસર બનશે.