શહેરના વઘાવાડી રોડ ઉપર સેન્ટ્રલ સોલ્ટના દરવાજા નજીક એક મહાકાય વૃક્ષ બપોરના સમયે પાર્ક કરેલી કાર ઉપર ધરાશાયી થયું હતું. જેનાં કારણે કારને ભારે નુકશાન થવા સાથે રસ્તો બ્લોક થયેલ જેની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને વૃક્ષની ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કરવા સાથે કારને બહાર કાઢાઈ હતી.
છેલ્લા એકાદ સપ્તાહથી રાજયભરની સાથો સાથ ભાવનગર શહેરમાં ભારે ગરમી સાથે જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે. ત્યારે આજે બપોરના સમયે શહેરના વઘાવાડી રોડ, સેન્ટ્રલ સોલ્ટના દરવાજા નજીક આવેલ એક મહાકાય વૃક્ષ કે જેનું થડ નબળુ પડી ગયું હોય પાર્ક કરેલી કાર ઉપર ધરાશાયી થતા કારનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને રસ્તો બ્લોક થઈ જવા પામેલ જો કે બનાવ સમયે કોઈ નજીકમાં ન હોય કોઈને ઈજા કે જાન હાની થઈ ન હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને મહાકાય વૃક્ષના થડ પાસેની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવા સાથે કારને બહાર કઢાઈ હતી આ દરમ્યાન રોંગ સાઈડમાં ટ્રાફીકને ડાયવર્ડ કરવામાં આવ્યો હતો. આમ ભારે પવનના કારણે વાઘાવાડી રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો.ે