એનસીપી પ્રમુખ શરદ પવારે લોકસભા ચૂંટણીમાં હાર મળ્યા પછી પાર્ટી કાર્યકર્તાઓને રાષ્ટ્રીય સ્વયંસંવક સંઘ (આરએસએસ) પાસેથી શિખ લેવાની વાત કરી છે. પવારે પિમ્પરી-ચિંચવાડ વિસ્તારમા એનસીપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું એવું નથી કહેતો કે આપણે સંઘ કાર્યકર્તાઓની દરેક વાત માની લેવી જોઈએ પરંતુ જ્યારે આપણે મતદાતાઓને મળીએ ત્યારે તેમના દ્રઢ નિશ્ચય અને દ્રઢતાથી ઘણું બધુ શિખી શકાય છે.
પવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામથી કાર્યકર્તાઓએ નિરાશ ન થવું જોઈએ. હવે ઓક્ટોબર-નવેમ્બરમાં આવનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જવું જોઈએ. તેમણે જણાવ્યું કે, આપણાં કાર્યકર્તાઓ કોઈના ઘરે મળવા જાય છે અને તેઓ ન મળે તો પાર્ટીનું પેમ્ફલેટ દરવાજામાં નાખીને આવી જાય છે. પરંતુ ભાજપના પ્રચાર સંઘના કાર્યકર્તાઓને જો સવારે ઘર બંધ મળે તો તેઓ સાંજે ફરી તેમને મળવા જાય છે. તેઓ ત્યાં સુધી તે ઘરે ધક્કા ખાય છે કે જ્યાં સુધી તેઓ પરિવારના સભ્યોને હાથોહાથ પાર્ટીનું પેમ્ફલેટ ન આપી દે. આપણો પ્રયત્ન પણ દરેક મતદાર સુધી રૂબરુ પહોંચવાનો હોવો જોઈએ.