અમદાવાદના બાપુનગર પાસેના હીરાવાડી વિસ્તારમાં આવેલા પાયલ પ્લાઝા પાસે એક કાર છેલ્લા ૧૫ દિવસથી પડી રહી હતી. આ કારમાં પાંચ વર્ષનો અક્ષય રમતાં રમતાં પુરાઇ ગયો હતો. જેના કારણે તેનું ગુંગળામણથી મોત નીપજ્યું હતું. પોતાનું બાળક ઘરે ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ હાથધરતા પાયલ પ્લાઝાની બહાર પાર્ક કરેલી કારમાંથી બાળક મળી આવ્યું હતું. માતા-પિતાએ કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આ કાર પાયલ પ્લાઝાના મકાન નંબર ૭-૮ના માલિક કાંતિભાઇ પટેલની છે. જેઓ અત્યારે ચિલોડા રહે છે. અને આ બંને મકાનો ભાડે આપેલા છે. જોકે, આ ઘટની જાણ થતાં જ આજે શુક્રવારે વહેલી સવારે કાર માલિક દ્વારા છોટા હાથ લઇને ટોઇંગ કરી કારને સ્થળ ઉપરથી હટાવી લેવામાં આવી છે. કાર માલિકની બેદરકારી હોવાના આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે બાળકનો પરિવાર નજીક આવેલી ચાલીમાં જ રહે છે. બાળકનું શંકાસ્પદ મોત થયું હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. આ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી અને બાળકના માતા પિતા પણ આ અંગે પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી.