ઉત્તરપ્રદેશમાં ગઈ કાલે મોડી રાત્રે આંધી અને વરસાદનાં કારણે થયેલી દુર્ઘટનાઓ અને વીજળી પડવાનાં કારણે ૧૯ લોકોનાં મોત થયા છે જ્યારે ૪૮ લોકો ઘાયલ થયા છે. તેમાં મૈનપુરીનાં છ, એટા અને કાસગંજનાં ત્રણ-ત્રણ, મુરાદાબાદ, મહોબા, હમીરપુર, ફર્રુખાબાદ, બદાયુંના એક-એક લોકોનો સમાવેશ થાય છે. આખો દિવસ સખત ગરમી પડ્યાં બાદ સાંજે સાત વાગ્યાથી હવામાન ઓચિંતું પલટાઈ ગયું હતું.
ફિરોઝાબાદ, જાલૌન સહિતનાં અનેક સ્થળઓએ આંધી અને વરસાદ સાથે કરાં પણ પડ્યાં હતાં. કેટલાક સ્થળોએ વીજળીનાં થાંભલા પડી જવાથી અંધારપટ છવાયો હતો. વિવિધ જગ્યાએ બનેલી દુર્ઘટનાઓમાં ૫૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. યુપીનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, સંકટનાં આ સમયમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે. તેમણે જિલ્લાધિકારીઓને તાત્કાલિક ધોરણે પ્રભાવિત લોકોને મદદ કરવાના આદેશ આપ્યાં છે.
યુપી સરકારે મૃતકોનાં પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની સલાહ આપવાની જાહેરાત પણ કરી છે. ૨૪ કલાકની અંદર જ પીડિત પરિવારોને સહાય મળી રહે તે જોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું છે.
ખાસ કરીને પશ્ચિમી ઉત્તરપ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં કરાં પડવાથી ભારે નુકસાન થયું છે. હજુ પણ જો કે પૂર્વ અને મધ્ય ઉત્તરપ્રદેશમાં હવામાન ગરમ જ છે અને ત્યાંના લોકોને ગરમીમાં રાહત મળી નથી. ઝાંસી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.
ગઈ કાલે સાંજથી જ બહરાઈચ, શ્રીવસ્તી, બારાબંકી અને ગોન્ડા જિલ્લામાં અચાનક વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. તોફાની પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. આંધીના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જે ખેડૂતોનાં પાકને ૩૩ ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેમને કૃષિ સહાય આપવામાં આવશે.
૪૮ કલાકની અંદર ખેડુતોનો સર્વે કરી તમામ વિગતો આપવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે જમાવ્યું છે કે, રાહત કાર્યોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે ઢીલ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ અધિકારી આ માટે કસૂરવાર સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દેશભરનાં અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂનો કહેર જારી છે ત્યારે હિમાચલપ્રદેશ સહિતનાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પણ થયો હતો.