રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ૮મી જૂને મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આકાર લઈ રહેલા ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ ડાયનોસોર મ્યુઝિયમનો પ્રારંભ થતાં ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કરશે. આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બનશે. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોરનો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે અતિથી વિશેષપદે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, આદિજાતિ અને વન મંત્રી ગણપતસિંહ વસાવા, પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીર અને કૃષિ, પંચાયત અને પર્યાવરણ ચસ્વતંત્ર હવાલોૃ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. જ્યારે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયા, અન્ન અને નાગરિક પૂરવઠા નિગમના અધ્યક્ષશ્રી રાજેશ પાઠક તથા મહીસાગર જિલ્લા પ્રમુખ મંજુલાબેન ખાંટ ઉપસ્થિત રહેશે. સાથે સ્થાનિક જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, પ્રવાસન કમિશ્નર અને પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેક્ટર જેનુ દેવન, જિલ્લા કલેક્ટર આર.બી. બારડ વગેરે ઉપસ્થિત રહેશે.
બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે બાવન હેક્ટર વિસ્તારમાં ૬૫ મીલિયન વર્ષના ગુજરાતનાં ડાયનોસોરના ઈતિહાસની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુજરાતને સમગ્ર વિશ્વમાં પ્રવાસનના નકશામાં અગ્રેસર મૂકવામાં મદદરૂપ બની રહેશે. આ ફોસીલ પાર્ક વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો હશે અને ભારતનો સર્વ પ્રથમ હશે. આ રૈયોલી ગામ વિશ્વના અનેક પેલિયોન્ટોલોજિસ્ટ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
ડાયનોસોરના અતિપ્રાચીન ઈતિહાસ અને રૈયોલી ગામના મહત્વને લઈને પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટર – સંગ્રહાલય અને ફોસીલ પાર્કનું આયોજન કરવામાં આવ્યુ છે, આ પાર્ક અને સંગ્રહાલયમાં વિવિધ છ જેટલી માહિતી આપતી ગેલેરીઓ ઊભી કરાઈ છે. અલગ અલગ ડાયનોસોરના મોડેલ્સ, ટચ સ્ક્રીન, સેલ્ફ નેવીગેટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, વિશાળકાય ડાયનોસોરનું જીવનચક્ર અને ડાયનોસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહીતી પણ રજૂ કરાવામાં આવી છે. વર્ષ ૧૯૮૩ અને ત્યારબાદ ૨૦૦૩માં જે ઈંડા અને ડાયનોસોરના વિવિધ ભાગોના હાડકા મળ્યા હતા એને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં; ડાયનાસૌરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિભિન્ન સ્વરૂપે મૂકવામાં આવી છે.
આજથી ૩૬ વર્ષ પહેલાં વિશાળકાય રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનોસોર, રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકાંરૂપી અવશેષો મધ્ય ગુજરાતના આ નવાબી નગર બાલાસિનોરથી ૧૧ કિલોમીટર દૂર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળયા હતા. આ ડાયનોસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત છે. અગાઉ ૨૦૦૩ માં, અહીંથી એની ડાયનોસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. જે નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પાપ્ત થયા હતા.