વર્લ્ડ કપ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ઓવલમાં જંગ ખેલાશે

717

ઓવલના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ આવતીકાલે તેની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બંને મેચો જીતી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં પહેલી જુનના દિવસે બ્રિસ્ટોલ ખાતે અફઘાનિસ્તાન પર જીત મેળવી હતી. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ છટ્ઠી જુનના દિવસે વેસ્ટ ઇન્ડિઝ પર હાઇ સ્કોરિંગ મેચમાં જીત મેળવી હતી. જેથી ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓનો નૈતિક જુસ્સો પણ આસમાને છે. બંને ટીમો ટક્કરની ટીમ હોવાથી મેચ જોરદાર રહેનાર છે. ભારતીય ટીમ તરફથી પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારી શાનદાર ફોર્મમાં હોવાની સાબિતી આપી દીધી છે. ધોનીએ પણ શાનદાર બેટિંગ કરી હતી. શિખર ધવન અને વિરાટ કોહલી નિષ્ફળ રહ્યા હતા. જો કે આવતીકાલે આ બંને ખેલાડી પણ તેમના અસલ ફોર્મમાં રમે તેવી શક્યતા છે. બોલિંગમાં જશપ્રીત બુમરાહ પણ તમામ ચાહકોની નજર રહેશે. આ મેચને લઇને જોરદાર ઉત્સાહ ભારતમાં પ્રવર્તી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય ચાહકો મેચ જોવા માટે મેદાનમાં પણ રહે તેવી શક્યતા છે. બંને ટીમો જીતની બાજી લગાવી દેવા માટે તૈયાર દેખાઇ રહી છે. ઓસ્ટ્રેલિયા પાસે પણ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથ ઉપરાંત મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડી છે.સાથે સાથે તેની પાસે સ્ટાર્ક, કમિન્સ જેવા બોલર પણ છે. ભારતીય ટીમની પણ આવતીકાલે કસોટી થનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતા ખુબ આગળ દેખાય છે. તેમની વચ્ચે હજુ સુધી એંકદરે વનડે મેચોની વાત કરવામાં આવે તો ૧૩૫ મેચો રમાઇ  છે. જે પૈકી ભારતે ૪૯ અને ઓસ્ટ્રેલિયાએ ૭૬ મેચોમાં જીત મેળવી છે. વર્ષ ૧૯૮૦ બાદથી તેમની વચ્ચે વનડે મેચોની શરૂઆત થઇ હતી. ૧૦ મેચોના પરિણામ આવ્યા નથી. તેમની વચ્ચે પ્રથમ વનડે મેચ છઠ્ઠી ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે રમાઇ હતી. જેમાં ભારતે ૬૬ રને જીત મેળવી હતી. જ્યારે તેમની વચ્ચે છેલ્લી મેચ ૧૩મી માર્ચ ૨૦૧૯ના દિવસે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે ૩૫ રને જીત મેળવી હતી. આવી જ રીતે વર્લ્ડ કપમાં આ બંને ટીમો ૧૧ વખત એકબીજાની સામે આવી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ પ્રભુત્વ જાળવી રાખીને ભારત પર આઠ મેચોમાં જીત મેળવી છે. ભારતે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં જીતી હતી.

આ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ ક્વાર્ટર ફાઇનલ હતી. ભારતે આ મેચ જીતીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી હતી. વર્લ્ડ કપમાં બંને વચ્ચે છેલ્લી મેચ વર્લ્ડ કપ ૨૦૧૫માં રમાઇ હતી. સિડનીમાં ૨૬મી માર્ચના દિવસે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૯૫ રને જીત મેળવી હતી.મેચનુ પ્રસારણ આવતીકાલે ઓવલથી ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. બંને ટીમો નીચે મુજબ છે.

ઓસ્ટ્રેલિા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ.

Previous articleઓસ્ટ્રેલિયા અને ભારત પર હજારો કરોડ રૂપિયા લાગ્યા
Next articleમિનિ કુંભમેળામાં કૌભાંડ..!! સરકારે ૧૫ કરોડ ફાળવ્યા પણ ખર્ચ્યા માત્ર ૩.૬૧ કરોડ