પાળેલું કુતરુ ત્રણ વાર કરડતાં પોલીસ ફરિયાદ કરવા પહોચ્યા

668

મહેસાણાના પાંચ લીમડીમાં આવેલા સનરાઇઝ ફ્‌લેટમાં સ્થાનિક રહીશે પાળેલા કૂતરા એક નહીં પરંતુ ત્રણ વખત કરડતાં કંટાળેલા આધેડે એ ડિવિજન પોલીસ સ્ટેશન અને પાલિકામાં ફરિયાદ આપી કૂતરાની સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે.

સનરાઇઝ ફ્‌લેટમાં રહેતા જગદીશભાઇ ચંદ્રકાન્તભાઇ ગુપ્તાએ પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, તેમના ફ્‌લેટમાં ત્રીજા માળે રહેતી મહિલાએ કૂતરા પાળ્યા છે, જે અત્યાર સુધીમાં તેમને ત્રણ વખત બચકાં ભરી ચૂક્યા છે અને તેની સારવાર પણ સિવિલમાં લીધી છે.

તાજેતરમાં કૂતરાએ બચકું ભરતાં કંટાળી પાલિકા અને એ ડિવિજન પોલીસમાં ફરિયાદ આપી કૂતરાઓની સમસ્યા દૂર કરવા માંગણી કરી છે અને કોઇ પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી આપી છે. આ અંગે જગદીશભાઇએ જણાવ્યું કે, ફ્‌લેટમાં ઘરની બહાર નીકળી પગથિયાંમાંથી આવતાં કે જતાં બેઠેલા કૂતરાં બચકું ભરી લે છે અને આ બાબતે ફરિયાદ કરીએ તો ઝઘડો થાય છે, અમારે તો બંને બાજુ પીસાવાનું છે.

મહેસાણાની સહજ સોસાયટીમાં ગંભીર રીતે ઇજા પામેલા કૂતરાની સારવાર માટે પહોંચેલા કરુણા હેલ્પલાઇનના તબીબે કૂતરાને ખસેડવામાં મદદ કરવાના બદલે હું ર્ડાકટર છું અને મારી ફરજમાં આ આવતું નથી તેમ કહેતાં હાજર બાળકો અને મહિલાઓ વિફરી હતી. આ અંગે મહિલાઓએ હેલ્પ લાઇનમાં રજૂઆત કરી હતી.

રાધનપુર રોડ પર આવેલી સહજ સોસાયટીમાં એક કૂતરાને ચારથી વધુ કૂતરાંએ બચકાં ભરતાં સ્થાનિક બાળકોએ કરુણા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. હેલ્પ લાઇનમાંથી આવેલા ર્ડા. દેસાઇને સારવાર દરમિયાન બાળકો અને મહિલાઓએ ઇજાગ્રસ્ત કૂતરાને ચાદરા ઉપર લઇને ખસેડવામાં મદદ માંગતા તે વિફર્યા હતા અને હું ર્ડાકટર છું આ મારું કામ નથી તેમ કહી ગાડીમાં બેસી જતાં શાબ્દિક ઘર્ષણ થયું હતું. જોકે, ડ્રાઇવરે નીચે ઉતરીને ઘવાયેલા કૂતરાને ચાદરા પર લેતાં બાળકો તેને ઉઠાવી અન્ય સ્થળે મૂકી આવ્યા હતા. જોકે, માનવતા ભૂલેલા ર્ડોકટરની વિરુદ્ધમાં મહિલાઓએ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગણી કરી હતી.

Previous articleઇડરમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણઃ ૧૦૦ના ટોળાં સામે ફરિયાદ
Next articleદહેગામ આત્મહત્યા મામલો : પોલીસે ૮ ની ધરપકડ કરી