શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જ સ્ટેશનરી, સ્કૂલબેગ, કંપાસ, સહિતની ચીજવસ્તુઓમાં ભાવવધારાથી વાલીઓ પરેશાન

652

ઉનાળુ વેકેશન પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર હોઈ શાળાના બાળકો તેમજ વાલીઓ દ્વારા શૈક્ષણિક સાધનોની ખરીદીનો આરંભ કરી દેવાયો છે. જો કે ગત વર્ષની સરખામણીએ વિવિધ પ્રકારની સ્ટેશનરીના ભાવમાં ચાલુ વર્ષે ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. હાલની મોંઘવારીમાં દિન-પ્રતિદિન શિક્ષણ મોઘું થઈ રહ્યું છે ત્યારે સ્ટેશનરીના ભાવમાં થયેલ વધારાને લઈ વાલીઓના બજેટ ખોરવાતા વાલીઓની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે.

ઉનાળું વેકેશન તેના અંતિમ ચરણમાં છે અને આગામી સપ્તાહથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. વિવિધ શાળાઓમાં અપાયેલ યાદી મુજબ વિદ્યાર્થીઓ દ્વારા જરૂરીયાત મુજબના પાઠયપુસ્તક તેમજ નોટબુકની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેને લઈ ગાંધીનગર જિલ્લાની વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે.

જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. વાલીઓએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે હાલના હરિફાઈના યુગમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે સાથે દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘુ બની રહ્યું છે. જેને પગલે મધ્યમવર્ગના લોકોને પોતાના પાલ્યને કઈ રીતે ભણાવવું તે પ્રશ્ન થઈ પડયો છે. સરકાર દ્વારા મફત શિક્ષણની જાહેરાત તો કરવામાં આવે છે પરંતુ શિક્ષણને લગતી અન્ય વિવિધ સામગ્રીઓના ભાવ ઘણાં ઉંચા હોવાથી ગરીબ પરિવારો પોતાના બાળકોને ભણાવી શકતા નથી.

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ સ્ટેશનરીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો થયો છે. તો  બીજી તરફ મોટાભાગના પાઠયપુસ્તકના ભાવમાં ધરખમ વધારો નોંધાતા વાલીઓને બેવડો ફટકો પડયો છે. ધો.૧૦ અને ધો.૧૨ના વિવિધ પાઠય પુસ્તકોના ભાવમાં ૫૦થી ૧૦૦ ટકાનો ધરખમ ભાવવધારો નોંધાતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓની મુશ્કેલીઓ વધી છે. આ અંગે ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રો-મટીરીયલના ભાવ ઉંચા હોઈ પુસ્તકોના ભાવ વધ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ વિવિધ શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. જો કે શૈક્ષણિક સામગ્રીમાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો નોંધાતા વાલીઓના બજેટ ખોરવાઈ જવા પામ્યા છે. સાથે સાથે વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલ બુટના ભાવમાં પણ વધારો નોંધાતા વાલીઓની ચિંતા વધતા પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

Previous articleદહેગામ આત્મહત્યા મામલો : પોલીસે ૮ ની ધરપકડ કરી
Next articleબંગાળમાં વિજય રેલી કાઢવા મામલે BJP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેક ઘાયલ