કેરળમાં મોનસુનની એન્ટ્રી : ચારેબાજુ ભારે વરસાદ

488

આઠ દિવસના વિલંબ બાદ કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવ્યા બાદ મોનસુનને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, મોનસુને ૮મી જૂનના દિવસે કેરળમાં એન્ટ્રી કરી લીધી છે. કેરળના તમામ વિસ્તારોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. જો કે, મોનસુનમાં આ વખતે વિલંબ થયો છે. જો કે આનો મતલબ એમ પણ નથી કે, મોનસુનની એન્ટ્રીમાં વિલંબ થવાથી સિઝનમાં ઓછો વરસાદ રહેશે. જો કે, કેરળમાં આ વિલંબના પરિણામ સ્વરુપે દેશના અન્ય ભાગોમાં પણ મોનસુનની એન્ટ્રી મોડેથી થશે. મોનસુનને લઇને લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. દેશના મોટાભાગના વિસ્તારો સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ખુબ નીચે પહોંચી ગયું છે. સિંચાઈના વૈકલ્પિક સાધન નહીં હોવાના કારણે મોટાભાગના ગ્રામિણ વિસ્તારોમાં ચાર મહિના સુધી ચાલનાર મોનસુન સિઝન ઉપર આધારિત રહે છે. ગ્રામિણ વિસ્તારોમાં વરસાદને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવે છે. મોનસુન સિઝનમાં વાર્ષિક વરસાદ ૭૫ ટકાની આસપાસ રહે છે. ભુવિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને ટિ્‌વટ કરીને કહ્યું છે કે, કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. કેરળમાં આગામી બે ત્રણ દિવસ સુધી સરેરાશથી લઇને ભારે વરસાદ જારી રહેશે. દેશના અર્થતંત્ર માટે પણ ખુબ મહત્વપૂર્ણ બાબત રહેલી છે. કારણ કે, ભારતના જીડીપીમાં કૃષિનું ખુબ મહત્વ રહેલું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારો, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં પારો હાલમાં ૪૫થી પણ ઉપર પહોંચી ગયો છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો પારો ૫૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે. મોનસુનની એન્ટ્રીથી લોકોને ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના કહેવા મુજબ દિલ્હીમાં મોનસુન સામાન્યરીતે ૨૯મી જૂનની આસપાસ પહોંચે છે. હવામાન વિભાગે આજે કહ્યું હતું કે, પાટનગરમાં બે ત્રણ દિવસનો વિલંબ થઇ શકે છે. જો કે, ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટના કહેવા મુજબ વિલંબ થવાથી હજુ પણ અન્ય રાજ્યોમાં મુશ્કેલી રહી શકે છે. દિલ્હીમાં સામાન્ય મોનસુન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ સામાન્ય મોનસુનની શક્યતા છે. આઈએમડીના કહેવા મુજબ કેરળમાં ઉલ્લેખનીય વરસાદ બે ત્રણ દિવસના ગાળામાં થઇ શકે છે. ૨૦૧૬માં પણ કેરળમાં મોનસુનની એન્ટ્રી આઠમી જૂનના દિવસે જ થઇ હતી.  આ વર્ષ માટે ૯૬ ટકા લોંગ પિરિયડ એરવેજ વરસાદની આગાહી કરવામાં આવી છે જે સામાન્ય કરતા થોડોક ઓછો વરસાદ છે.  ૧૯૫૧થી લઇને ૨૦૦૦ સુધી દેશમાં મોનસુન સિઝનમાં કુલ સરેરાશ વરસાદ ૮૯ સેન્ટીમીટર નોંધાયો છે.

આઈએમડીના કહેવા મુજબ ૨૦૧૯માં પણ મોનસુન સામાન્ય રહેશે. જૂનમાં વરસાદ પર અલનીનોની અસર રહી શકે છે. સામાન્યરીતે એમ માનવામાં આવે છે કે, અલનીનોના સંબંધ પ્રશાંત મહાસાગરના પાણી ગરમ હોવા સાથે સંબંધિત છે જેની અસર મોનસુન ઉપર થાય છે. મોનસુનમાં વિલંબના સિઝનમાં થનાર વરસાદ સાથે કોઇ સંબંધ નથી. જો કે, મોનસુનમાં વિલંબ થવાથી કૃષિ સમુદાયના લોકો અને અર્થતંત્રને અસર થવાની શક્યતા ચોક્કસપણે દેખાઈ રહી છે. ભારતમાં આ વર્ષે ૧૮મી મેના દિવસે મોનસુન દક્ષિણ આંદમાનમાં પહોંચી ગયું હતું તે વખતે આઈએમડીએ કહ્યું હતું કે, કેરળમાં છઠ્ઠી જૂનના દિવસે મોનસુનની એન્ટ્રી થશે. જો કે, તેમાં આંશિક વિલંબ થયો છે.

Previous articleચૂંટણીમાં પ્રજા નકારાત્મકતાને જોશ સાથે ફગાવી ચુકી : મોદી
Next articleરથયાત્રા : ભગવાનના રથોનું રિપેર કામ વધુ તીવ્ર બનાવાયું