આફ્રિકાખંડ વરસાદ, લીલોતરી અને પ્રાણીઓનાં વૈવિધ્ય માટે પહેલાં યાદ કરવો પડે.વિષુવવૃતનુ પસાર થવું ,ગરમી, વરસાદ, હરિયાળીનું કારક છે .જેથી આ ખંડના થોડાં દેશોને બાદ કરતાં બધા દેશોમાં પ્રાણી-પક્ષી,લીલીકુંજાર ધરા રોમહર્ષણ જોવાની લહેર કલમથી ટપકાવતા તેને અન્યાયકતૉ થાય.રવાન્ડાના પ્રવાસમાં નક્કી જ હતું કે ત્યાં જંગલો, તેના સ્વરૂપને ઢુકડેથી જોવાની ખૂબ મજા પડશે.
૨૫ એપ્રિલ ગુરુવારે એકેગેરા અભ્યારણમાં લટાર મારવા માટે નીકળી પડ્યાં. તે કિગાલથી પશ્ચિમમાં ૧૦૦ કિલોમીટર દૂર છે. રસ્તો થોડો કાચો, જેથી બે -અઢી કલાકની મુસાફરી ખરી ..! આ આયોજનનો પાયો નાંખનાર અને અમને રવાન્ડી આતિથ્ય કરાવનાર શ્રી આશિષભાઈ ઠક્કર હતાં. અમે લગભગ ચાર-પાંચ મોટી જીપોમાં ખડકાય ને સાત- સાડા સાતે નીકળ્યા.
રસ્તામાં ડ્રાઇવર એલેનએ અમને આ જંગલની ઘણી વિશેષતાઓથી અવગત કર્યા. કેગેરા એક નદીનું નામ હતું અને તેના પરથી આ પાર્ક નું નામ આપવામાં આવ્યું.સને ૧૯૩૪મા અસ્તિત્વમાં આવેલા આ જંગલનો વન વિસ્તાર ૧૨૨૨ ચોરસ કિલોમીટર છે.પછીથી તેને વિવિધ રીતે વિકસાવવા સરકારે કમર કસી. અહીં કાળો હિપ્પોપોટેમસ બેલ્જિયમથી લાવવામાં આવ્યો. જિરાફને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યું છે.જેની સંખ્યા આજે ૮૦ છે. પાર્કમાં સિંહ ૨૫૦ ની મોટી સંખ્યામાં હતાં. પરંતુ ૧૯૯૪ના નરસંહાર પછી પુનઃ સ્થાપિત થયેલા ખેડૂતો, લોકોએ બધા સિંહનો શિકાર કર્યૉ. ૨૦૧૫ માં સાત જેટલા સિંહને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યા છે.
અમારી ગાડી હવે પાકૅના રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી. તમામ સાથીઓનું રજીસ્ટ્રેશન વગેરે ત્યાં થયા પછી અમે ફરી જીપમાં ગોઠવાયા. દરમિયાન કોઈકે સમાચાર આપ્યા કે નજીકમાં હાથીનું એક ઝુંડ છે,પહેલા તેને જોઈ લઈએ. રીસેપ્શન પરથી વનવિભાગનો ગાઈડ અમારી સાથે જોડાયો. રસ્તાઓ કાચા પરંતુ વિસ્તાર ટેકરાવાળો હોવાથી ચોમાસામાં પણ વાહનો ચાલી શકે તેવો. જંગલ બહુ ગાઢ નથી, મોટા વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. તર્ક એવો થયો કે આજુબાજુના વસાહતીઓએ જંગલ રક્ષિત હોવા છતાં તેને કાપતા રહ્યા હોય.વૃક્ષો બોરડી, નીલગીરી અને બીજા અડબાઉ જંગલી વૃક્ષો જોવા મળ્યાં. નાનું ઘાંસ જેમાં નાનાં પ્રાણી દેખાય પણ નહીં. હવે જીપ ઉભી રહી અને તેનું ઉપરનું ફોલ્ડર છાપરું ખોલી નાખ્યું. એક તરફ જંગલી ભેંસોનુ એક ટોળું ચરતુ હતું,સાથે નજીકમાં ત્રણ જેટલા જીરાફ ઊભેલાં જોયાં. જીરાફના ત્રણ પ્રકાર છે પણ આ જીરાફ મસાઈ જીરાફ તરીકે ઓળખવામાં આવે છે. સફેદ જેવો રંગ દેખાતો હતો તે હાથીઓ હતા.દુરથી તે સફેદ લાગતા હોય. જીપ તેની નજીક લઈ જવા કોશિશ કરી,પણ રસ્તાથી આગળ જઈ શકાય તેમ ન હતું. કોઈ પણ પ્રવાસીને જીપની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો.અમારું એક મુકામ પૂરું થાય એ પહેલાં જિબ્રાના ટોળાંઓ સાવ લગોલગથી પસાર થયાં. ગધેડાના કદના પીળા -કાળા ચટ્ટાપટ્ટા ધરાવતું આ પ્રાણી માનવ સ્વભાવ સાથે થોડું ’મેચ’ થઈ ગયેલું લાગ્યું. મુકાભાઈ, જીતુભાઈના કેમેરાની ફ્લેશ હવે ફટાફટ ક્લિક થતી હતી. ૨૫ -૩૦ ના ટોળામાં ફરતાં આ જીબ્રાની સંખ્યા નોંધપાત્ર હશે એમ કલ્પી શકાય.
અમારી જીપ હવે ક્યાંથી ક્યાં નીકળે છે, તેનો ખ્યાલ રહેતો નહોતો. પાકૅના રસ્તાઓ બધાં સરખા લાગે. પાંચ છ કિ.મી.ના અંતર પછી અમે રિફરેશમેન્ટ સેન્ટર પર આવીને ઊભા રહ્યાં. અહીં થોડો વિરામ ને ચા- નાસ્તો કરવાનો હતો. તેના ખોરાકની ચીજવસ્તુઓ શાકાહારી ખરી પણ વૈવિધ્યપૂર્ણ હતી. તેમાંથી કેટલાકના સ્વાદ ખૂબ ભૂલભૂલૈયા જેવાં હતા.ચાખી ચાખીને ખાઓ નામેય યાદ રાખવા અઘરા.નજીકમાં એહેમા નામક તળાવ દેખાતું હતું. તે ટેકરી ઉપર મુગટ સમાન આ સેન્ટર પરથી આખું તળાવ, જંગલ અને તેના દ્રશ્યો અદ્ભુત હતા. બાથ ભરીને ભાથું લઇ જવાં જેવા જ.લંચબોક્ષ તૈયાર થઈ ગાડીમાં ગોઠવાયા. અડધાં કલાકનો પડાવ પૂરો કરીને ફરી જીપડાઓએ ચાલતી પકડી. હરણ ,રોઝ, મોર, એનું પચરંગી પક્ષી રસ્તામાં જોતાં ગયાં. જ્યારે અમે એહેમા સરોવરના કાંઠે આવી ઉભાં રહ્યાં તો તળાવના કાંઠે બનાવેલી દીવાલ થી દસ-પંદર ફુટના અંતરે કાળો હિપોપોટેમસ પાણીમાંથી બહાર નીકળ્યો. એક બે મિનિટ માટે પોતાનું શરીર બહાર કાઢે અને ફરી પાણીમાં ગરકાવ થઈ જાય. સાથે આવેલા ગાઈડે અમને તળાવની નજીક ન જવા જણાવ્યું. તેની શિકારી,હિસંક હોવાની તેની ઓળખ હતી. અહીં અમને જંગલના કેટલાક તાલીમી રવાન્ડી વન કર્મચારીઓની મુલાકાત થઇ. તેઓ વન વિભાગમાં નવાં જોડાયેલાં હતાં.પ્રથમ તાલીમ મેળવતાં હતાં તેવું જાણવા મળ્યું. જંગલના એક વિશ્રાંતિસ્થાને અમે ફરી અટક્યાં. સમય બપોરા કરવાનાં ટાણાંથી પણ આગળ નીકળી ગયો હતો. દાળ-ભાત, કેળાં ,કાકડી ને કેરીના રસથી થોડું ભોજન સંપન્ન થયું.
જંગલી, ભેંસો ,હાથી ,જિરાફ બઘું સમયાંતરે નજરે પડતું રહ્યું. રિસેપ્શન પર ફરી ચેક આઉટ કરાવવાનું હતું. અમારા જૂથ સિવાયના બે- ત્રણ વાહનો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓનાં જોવાં મળ્યા.આ નેશનલ પાર્કની મુલાકાતની ફી ૧૫૦ અમેરિકન ડોલર હોવાનું બોર્ડ જોવા મળ્યુ.માટી વાંસમાંથી બનેલું નાનકડું મકાન ખૂબ કલાત્મક હતું.પ્લાસ્ટિક, અન્ય કોઈ કચરો અહીં ફેંકવા પર પ્રતિબંધ હતો. તેનું ચુસ્તપણે પાલન થતું હોવાનો અનુભવ થયો. વન તેનુ પોતીકાપણું જાળવી રાખવા સફળ થયાનું અનુભવાય છે. સરકાર અને તેના કર્મચારીઓની કાર્ય પ્રતિબદ્ધતા ખૂબ સ્પર્શી ગઈ. અહીં તમને પ્રવાસની કોઈ મુશ્કેલી પડતી નથી.
એકાએક અમારાં ગ્રુપમાંથી કોઈનો અવાજ સંભળાયો ’દિપડો’.બારીમાંથી જમણી તરફ મેં નજર કરી. લગભગ દસ-પંદર ના ફુટના અંતરે મોટા ઘાસમાં દિપડો જોવા મળ્યો.નાના ધાસમા દેખાય, ફરી આગળ નીકળે ત્યારે નાનું ઘાસ હોયતો જોઈ શકાય તે એકદમ બિન્દાસ, બાદશાહી ધીમી ચાલે આગળ જતો હતો.
ઘણાનાં મોબાઇલમાં ટાન્ઝાનિયાનો ટાવર આવવાં લાગ્યો હતો. અમે તેની સરહદ પર હતાં. અમારા પસાર થવાનો મુખ્ય રસ્તો ટાન્ઝાનિયા તરફ જતો હતો. અમારી જીપમા થોડી ખરાબી આવી ત્યારે અમે તેનાં ગામડાંમા પણ એક ચક્કર મારી આવ્યાં. ત્યાંની ગરીબી પર ખૂબ કરુણા ઉપજી.
સાંજ ઢળતા જ્યારે અમે કિગાલીની રેડિશન બ્લુ હોટેલ પર પાછા ફર્યા ત્યારે લાગ્યું કે અમારો આજનો એકેગેરાનો આંટો નહોતો પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની અંઘોળ હતી. એક સફર બધાએ કરવાની જરૂર થાય.