પ્રત્યેક માણસ માટે હોસ્પિટલ એટલે મહાદુઃખ અને કપરી કસોટીનો કાળ જેમાં ખાસ કરીને જે વ્યકિતઓ આર્થિક તથા સામાજીક રીતે પછાત છે અને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં જવુ એ બાબત રીતસર નર્ક સામી યાતના છે.
સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી દ્વારા ભાવેણાની રૈયતને ધ્યાને લઈને બનાવવામાં આવી હતી. અમીરથી ગરીબ વર્ગના તમામ લોકોને સમાન ધોરણે સારવાર મળે તેવી હિમાયત નેક નામદારની હતી પરંતુ રજવાડુ ગયા બાદ રાજય સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું અને હોસ્પિટલનો સમગ્ર વહીવટ આરોગ્ય વિભાગ હસ્તક સોંપવામાં આવ્યો બસ ત્યારથી સર.ટી. હોસ્પિટલના સારવાર અર્થે આવતા લોકોની પનોતી શરૂ થઈ આ હોસ્પિટલ સમય સાથે અપડેટ થઈ ન હોવાથી લોકોની તકલીફો હલ થવાના બદલે ઉત્તરોત્તર વધી રહી છે. અત્રે ફરજ રત તબીબથી લઈને વોર્ડ બોય સુધીનો કમર્ચારીગણ દર્દીઓ તથા તેમના સ્નેહીઓ સાથે પશુથી પણ બદ્દતર વર્તન કરે છે.
સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોની જગ્યા વર્ષોથી ખાલી છે. આજે લોકોમાં હૃદયને લગતી બિમારીઓનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે સામાન્ય, મધ્યમ તથા ગરિબવર્ગના લોકો હૃદય સંબંધી સારવાર અર્થે હોસ્પિટલમાં આવે ત્યારે ઈમરજન્સી વોર્ડમાં સબડી રહેલ સેંકડો દર્દી વચ્ચે એમબીબીએસના ડિગ્રીધારક ડોકટરો કેસ-દર્દીની લેષ માત્ર ચિંતા કર્યા વિના મન મરજી મુજબ આવી રૂટીન સારવાર આપે છે. પ્રતિદિન મોટી સંખ્યા આવા દર્દીઓ આવતા હોવા છતા કાર્ડીયોલોજીસ્ટની ભરતી કરવામાં આવતી નથી કે આવા દર્દીઓ માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવતો નથી. મેડીકલ કોલેજમાંથી ડીગ્રી મેળવી તબીબી પ્રેકટીસ અર્થે નિમણુંક કરવામાં આવી હોય છે. એ જ હાલત ન્યુરોલોજી, કેન્સર સહિતના વિભાગની છે.
આ ઉપરાંત વિશાળ બિલ્ડીંગો બનાવવામાં આવ્યા છે. પરંતુ સુવિધાઓનો ભારોભાર અભાવ જોવા મળીર હ્યો છે. પ્રત્યેક વિભાગમાં જુના-પુરાણા ભંગાર- સર સામાનનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. તદ્દન કન્ડમ હાલતમાં વર્ષો જુના વાહનો સડી રહ્યા છે. મેડીકલ સેન્ટરોમાં દવાનો જથ્થો હોતો નથી સિરીયસ પેશન્ટને ધરાર ખાનગી હોસ્પિટલમાં ધકેલવામાં આવે છે. અને બહારના ડોકટરોને કમાણી કરાવી હોસ્પિટલ સત્તાવાળાઓ કમિશન ખાય છે. એમ્બ્યુલન્સ શબવાહીની સહિતની સેવાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ સિવાય અનેક પ્રકારના ગોરખધંધકા પુરબહારમાં ચાલે છે. આવી સ્થિતિ વચ્ચે દર્દીઓ સારવાર કઈ રીતે પ્રાપ્ત કરી શકે..!