શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં સાત મુખ્ય પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે જેમાં મોનસુનની પ્રગતિ, ફુગાવાના આંકડા, આઈઆઈપીના આંકડાનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળ બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડા, પોલિસી વલણમાં ફેરફારની કોઇ અસર જોવા મળી ન હતી. બીજી બાજુ ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને પણ ઉત્સાહ જોવા મળી શકે છે. શેરબજારમાં નવા કારોબારી સત્રમાં હકારાત્મક માહોલ વચ્ચે તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં લિક્વિડીટી મુદ્દાઓને હાથ ધરવા કોઇ પગલા ન લેવાતા નિરાશાનું મોજુ જોવા મળ્યું હતું અને સેંસેક્સ સાપ્તાહિક ગાળા દરમિયાન ઘટીને બંધ રહેતા નિરાશા રહી હતી પરંતુ આવતીકાલથી શરૂ થતાં સત્રમાં તેજી રહી શકે છે. એક સપ્તાહના વિલંબ બાદ વાર્ષિક મોનસુનની શનિવારના દિવસે કેરળમાં એન્ટ્રી થઇ ગઇ હતી. આ વરસાદ હવે દરરોજના આધાર પર આગળ વધશે અને મોનસુન દેશના જુદા જુદા ભાગોમાં પહોંચનાર છે. રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા ઉપર પણ તમામની નજર રહેશે. ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ દ્વારા જંગી રોકાણ આ ગાળા દરમિયાન જ કરવામાં આવ્યું છે. ક્રૂડ અને રૂપિયાની કિંમતો પણ બજાર ઉપર અસર કરશે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે. તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા.
ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. ટ્રેડ વોરને લઇને હલચલ તથા વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેતથી પણ તેલની કિંમતો ઘટી રહી છે. કોમોડિટીની માંગમાં ઘટાડો થવાની દહેશતની અસર તેલ કિંમતો ઉપર થઇ છે. ક્રૂડની કિંમત પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. જો કે, ક્રૂડની ઘટતી કિંમતો ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત તરીકે છે. આનાથી ફિસ્કલ મોરચા પર દબાણ ઘટશે. આવી જ રીતે ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહેશે તેની અસર પણ શેરબજાર ઉપર થશે. નિફ્ટી ઇન્ડેક્સની સપાટી કેવી રહેશે તેને લઇને પણ જાણકાર લોકો અટકળો કરી રહ્યા છે. નિફ્ટીમાં પ્રાઇઝ સ્ટ્રક્ચર મજબૂત રહ્યું છે. અગાઉ એક્ઝિટ પોલ પહેલા કહેવામાં આવ્યું હતું કે, શેરબજારમાં નિફ્ટી ૧૨૦૦૦ની સપાટી કુદાવી દેશે. ફુગાવાના આંકડા, આઈઆઈટીના ડેટા, વૈશ્વિક ઘટનાક્રમની અસર પણ શેરબજાર ઉપર રહેશે. ગ્લોબલ સેન્ટીમેન્ટ પર નજર કરવામાં આવે તો અમેરિકી જોબના ગ્રોથમાં મે મહિનામાં ધીમીગતિએ વધારો થયો છે. અપેક્ષા કરતા ઓછી રોજગારીની તકો સર્જાઈ છે. આગામી સપ્તાહમાં અમેરિકા અને ચીનના ફુગાવાના આંકડા જારી થશે. જાપાનના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા પણ જારી કરાશે.