ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

410

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત ૩૪૫૯૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બ્રોડર માર્કેટમાં ઉદાસીનતાના પરિણામ સ્વરુપે આ હાલત થઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, આઈટીસી, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી બેંક, એચયુએલ, એચડીએફસી અને ઇન્ફોસીસના શેરમાં તેજી રહી હતી. એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૯૭૨૭.૮૩ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૩૦૪૯૦૯.૩૫ કરોડ થઇ ગઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ઘટીને ૮૩૩૭૭૩.૭૨ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ઘટીને ૮૧૭૬૨૫.૮૭ કરોડ નોંધાઈ ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ સ્થાન ઉપર છે જ્યારે ટીસીએસ બીજા સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૯૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી તેની સપાટી ૩૯૬૧૫ રહી હતી. ટોપ ટેન રેંકિંગ કંપનીઓની વાત કરવામાં આવે તો એચડીએફસી ત્રીજા સ્થાન ઉપર અકબંધ છે. આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં માર્કેટ મૂડીને લઇને કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ટીસીએસ અને આરઆઇએલ વચ્ચે માર્કેટ મૂડીમાં વધારે અંતર નથી. આવી સ્થિતિમાં નવા સપ્તાહમાં માર્કેટ મૂડીમાં આરઆઈએલ પ્રથમ સ્થાન જાળવી શકશે કે કેમ તેને લઇને ભારે ચર્ચા કોર્પોરેટ જગતમાં જોવા મળી રહી છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં હેવીવેઇટ કંપનીઓ વચ્ચે લેવાલીના મામલે સ્પર્ધા રહી શકે છે. લોકસભા ચૂંટણી બાદ બજારમાં સ્થિરતાના સંકેત દેખાઈ રહ્યા છે.

Previous articleરિટેલ ફુગાવા માટેના આંકડા બુધવારના દિવસે જારી કરાશે
Next articleવજનકાંટાના વેપારી પર અજાણ્યા શખ્સોનું દ્વારા ફાયરિંગ : પાંચ ગોળી વાગતા મોત