કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ ગયા બાદ અન્ય વિસ્તારોમાં પણ દક્ષિણ પશ્ચિમ મોનસુનની ધીમી ગતિએ એન્ટ્રી થઇ રહી છે. મોનસુન હવે દક્ષિણી અરબ સાગર, લક્ષ્યદ્વીપના મોટાભાગના વિસ્તારો, દક્ષિણી તમિળનાડુના હિસ્સામાં પણ પહોંચી ગયું છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસુનની શરૂઆત આશરે એક સપ્તાહ બાદ થઇ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આગામી ૪૮ કલાકમાં એટલે કે મંગળવાર સુધી દક્ષિણ પશ્ચિમ મોનસુન પૂર્વોત્તર રાજ્યોના અન્ય કેટલાક વિસ્તાર સુધી પહોંચી જવાની શક્યતા છે. કેરળમાં મોનસુન પહેલી જૂનથી શરૂ થઇ જશે તેમ માનવામાં આવી રહ્યું હતું પરંતુ એક સપ્તાહ મોડેથી તેની શરૂઆત થઇ હતી. એટલે કે શનિવારના દિવસે કેરળના દરિયાકાંઠા ઉપર મોનસુનની એન્ટ્રી થઇ હતી. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવાર સુધી દક્ષિણ અરબસાગર, લક્ષ્યદ્વીપ અને કેરળ, તમિળનાડુના વિસ્તારો, બંગાળના અખાત, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ, પૂર્વ મધ્ય અને ઉત્તરપૂર્વના વિસ્તારોમાં મોનસુનની એન્ટ્રી થઇ જશે.
પવનની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિકલાકની જોવા મળી રહી છે જેથી માછીમારો માટે પણ કેટલીક સુચના જારી કરવામાં આવી ચુકી છે. કેરળમાં મોનસુનની એન્ટ્રી પહેલા મોનસુનને લઇને લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. દેશના મોટાભાગના વિસ્તારો સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ખુબ નીચે પહોંચી ગયું છે. સિંચાઈના વૈકલ્પિક સાધન નહીં હોવાના કારણે મોટાભાગના ગ્રામિણ વિસ્તારોમાં ચાર મહિના સુધી ચાલનાર મોનસુન સિઝન ઉપર આધારિત રહે છે. ગ્રામિણ વિસ્તારોમાં વરસાદને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવે છે. મોનસુન સિઝનમાં વાર્ષિક વરસાદ ૭૫ ટકાની આસપાસ રહે છે. મોનસુનની એન્ટ્રીથી લોકોને ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના કહેવા મુજબ દિલ્હીમાં મોનસુન સામાન્યરીતે ૨૯મી જૂનની આસપાસ પહોંચે છે. હવામાન વિભાગે આજે કહ્યું હતું કે, પાટનગરમાં બે ત્રણ દિવસનો વિલંબ થઇ શકે છે.
જો કે, ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટના કહેવા મુજબ વિલંબ થવાથી હજુ પણ અન્ય રાજ્યોમાં મુશ્કેલી રહી શકે છે. દિલ્હીમાં સામાન્ય મોનસુન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ સામાન્ય મોનસુનની શક્યતા છે. આ વર્ષ માટે ૯૬ ટકા લોંગ પિરિયડ એરવેજ વરસાદની આગાહી કરવામાં આવી છે જે સામાન્ય કરતા થોડોક ઓછો વરસાદ છે. ૧૯૫૧થી લઇને ૨૦૦૦ સુધી દેશમાં મોનસુન સિઝનમાં કુલ સરેરાશ વરસાદ ૮૯ સેન્ટીમીટર નોંધાયો છે.