પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન શરૂ થયેલી હિંસા અવિરત ચાલુ જ છે. શનિવારે રાત્રે ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં ભાજપ અને તૃણુમૂલ કાર્યકર્તા વચ્ચે અથડામણ બાદ ફાયરિંગ થયું હતું.
ભાજપના પ્રદેશ મહાસચિવ સાયંતન બસુએ જણાવ્યું કે તૃણુમૂલના કાર્યકર્તા સંદેશખલી વિસ્તારમાં ભાજપના ઝંડા ઉખેડીને ફેંકી રહ્યાં હતા. જ્યારે ભાજપના નેતાઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તૃણુમૂલના લોકોએ ફાયરિંગ કર્યુ હતું. જેમાં ભાજપના ૪ કાર્યકર્તા સુકાંત મંડલ, પ્રદીપ મંડલ અને શંકર મંડલના મોત નિપજ્યા. વધુ બે કાર્યકર્તા ગુમ છે. તૃણુમૂલના એક કાર્યકર્તાનો પણ જીવ ગયો છે. પાંચ લોકો ઘાયલ થયા છે. અમિત શાહે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગનામાં ભાજપ અને તૃણુમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી હિંસા પર રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
તૃણુમૂલે પણ તેના એક કાર્યકર્તાની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયો મલિકે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓએ અપહરણ કર્યા બાદ તૃણુમૂલ સમર્થક ક્યૂમ મુલ્લાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટના સમયે ક્યૂમ તૃણુમૂલની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો.
ભાજપના મહાસચિવ કૈલાશ વિજ્યવર્ગીયએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ મમતા સરકાર પાસે હિંસા અંગેનો રિપોર્ટ માગ્યો છે. મને વિશ્વાસ છે કે આ ઘટનાને કેન્દ્ર ગંભીરતાથી લેશે. લોકો વચ્ચે હિંસાને લઈને ગુસ્સો છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની વિજય રેલી દરમિયાન પાર્ટીના નેતાઓ તથા ટીએમસીના કાર્યકર્તાઓ તથા પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીમાં થઇ હતી. જે અંગે પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મ્ત્નઁ કાર્યકર્તાઓએ કોઇ પણ સંબંધિત અધિકારીઓની મંજૂરી વિના બળજબરી પૂર્વક “અભિનંદન યાત્રા”નું આયોજન કર્યુ હતું.
આ પહેલા પણ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ સિવાય કોઇ પણ દળને વિજય રેલી કાઢવાની મંજૂરી આપવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.
ભાજપના સાંસદોની એક ટીમ સોમવારે વિસ્તારની મુલાકાત કરશે. હાલ ગૃહ મંત્રી અમિત શાહને રિપોર્ટ મોકલી દેવાયો છે.