ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની આજે રવિવારે યોજાયેલી હાઇ વોલ્ટેજ ડ્રામા જેવી ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. ખેડૂત વિભાગની આઠ બેઠકો પર ૧૬ અને વેપારી વિભાગની ચાર બેઠકો પર સાત ઉમેદવારો મેદાનમાં હતા. સવારે ૯.૦૦ વાગ્યાથી શરૂ થયેલી ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી માર્કેટયાર્ડમાં મતદાન યોજાયું હતું. ભારે રસાકસીભર્યા અને ઉત્તેજનાભર્યા વાતાવરણ વચ્ચે ચૂંટણી સંપન્ન થઇ હતી. હવે આવતીકાલે સોમવારે ઊંઝા એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણીના પરિણામો પર ભાજપના દિગ્ગજ નેતાઓની પણ નજર છે એશિયાખંડના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથો પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ધારાસભ્ય ડો.આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ મેદાનમાં હતા. બંને જૂથ પોતાનું વર્ચસ્વ દેખાડવાના મૂડમાં હોઇ આ સહકારી જંગ રસપ્રદ અને ઉત્તેજનાપૂર્ણ બની ગયો હતો. ખેડૂત વિભાગમાં ૧૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમના માટે ૩૦૦થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું., જયારે વેપારી વિભાગમાં ૭ ઉમેદવારો જંગમાં ઉતર્યા હતા અને તેમના માટે ૧૬૦૦ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. માર્કેટયાર્ડની સત્તા હાંસલ કરવા બંને જૂથો મરણિયા બન્યા હતા. જે પૈકી ગૌરાંગ પટેલ જૂથે અંબાજીમાં કેમ્પ કર્યો હતો તો સામે દિનેશ પટેલ જૂથે બહુચરાજી અને શંખલપુરમાં કેમ્પ કર્યો હતો. અહીંથી મતદારોને રવિવારે સવારે મતદાન શરૂ થાય તે પહેલાં સીધા જ ચૂંટણી સ્થળે લવાયા હતા. સૂત્રોના મતે, ઊંઝા એપીએમસીની ચૂંટણી બહુ મહત્વની અને પ્રતિષ્ઠાભરી હોઇ એક પણ મત બગડે નહી અને બેકાર ના જાય તેમ માટે ખરાખરીના ખેલ સમાન આ ચૂંટણીમાં એક જૂથ દ્વારા મતદારોને ખાસ ટ્રેનીંગ પણ અપાઇ હતી. જેમાં કેટલા મત આપવાના અને કેવી રીતે મતદાન કરવાનું છે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખેડૂત વિભાગનું મતદાન બપોર સુધીમાં પૂર્ણ થઇ ગયું હતુ, જયારે વેપારી વિભાગનું મતદાન સાંજ સુધી ચાલ્યું હતું.