અમદાવાદ : કેરળમાં વિધિવત રીતે ૮મી જૂનના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ સામાન્ય રીતે ૧૫ દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વખતે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ૧૨થી ૧૩ જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. જોકે, અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે હવામાન વિભાગ આખી સિસ્ટમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ગુજરાતમાં ચોમાસું વધારે પાછળ ધકેલાય શકે છે. હવમાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૧મી જૂનથી વાતાવરણમાં પલટો આવશે. જે બાદમાં ૧૨મી અને ૧૩મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી તા. ૯ના રોજ ગુજરાતના જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલી વિશે કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આણંદ અને બરોડા જિલ્લામાં ૧૨ અને ૧૩ જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ૧૧થી ૧૩મી જૂન દરમિયાન ભરૂય, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાડ પડી શકે છે.