ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી, માર્કશીટમાંથી શાહી ઊડી જતા માર્કશીટ કોરી ધાકોર

515

ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છબરડાઓનો પર્યાય બનેલી ગુજરાત યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારીનો કિસ્સા અવાર નવાર અહેવાલોમાં આવતા રહેતા હોય છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ડિગ્રી સર્ટીમાં કોલેજનું નામ જ ખોટું લખવામાં આવ્યું હોવાથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારે આજે આવા વધુ એક કિસ્સામાં માર્કશીટને લઈને યુનિ.ની બેદરકારી સામે આવી છે. આ વખતે ગુજરાત યુનિવર્સિટીએ માર્કશીટ બનાવવામાં હલકી ગુણવત્તાની શાહી વાપરતા માર્કશીટ કોરી બની ગઇ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં લોમાં સેમેસ્ટર-૨ની માર્કશીટ બનાવવામાં ઘોર બેદરકારી સામે આવી છે. યુનિવસિર્ટીએ માર્કશીટ બનાવવામાં હલકી ગુણવત્તાની શાહી વાપરવામાં આવી હતી, જેના કારણે માર્કશીટમાં માર્ક લખેલી શાહી જ ઉડી ગઇ હતી. અને માર્કશીટ પડેપડે કોરી બની ગઇ હતી. યુનિવસિર્ટીના આ ગંભીર બેદરકારીમાં અનેક વિદ્યાર્થીઓના માર્કશીટમાંથી માર્ક્સ ઉડી ગયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે માર્કશીટ તૈયાર કરવામાં ગુજરાત યુનિવર્સિટીએ નિમ્ન સ્તરનું મટીરીયલ વાપર્યું હતું. જેના કારણે હલકી ગુણવત્તાની શાહી વાપરતા માર્કશીટ કોરી બની ગઇ હતી. ફોટામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, માર્કશીટમાં જ્યાં જ્યાં માર્ક લખવામાં આવ્યા હતા તે જગ્યાએ શાહી જ ઉડી ગઈ હતી. અનેક વિદ્યાર્થીઓના માર્કશીટમાંથી શાહી ઊડી જતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં લોમાં સેમેસ્ટર -૨ની માર્કશીટમાં આ ઘટના સામે આવી હતી.

Previous articleઅંધશ્રદ્ધાના નામે ૭ માસની બાળકીને ચીપિયાના ડામ અપાયા
Next articleગાંધીનગર ખાતે એર માર્શલ અર્જનસિંઘના જન્મ શતાબ્દી વર્ષની શાનદાર ઉજવણી કરાઈ