ભારતીય વાયુસેના દ્વારા એર માર્શલ અર્જનસિંઘના જન્મ શતાબ્દી વર્ષને સમગ્ર દેશમાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજે રાજ્યપાલ ઓ.પી. કોહલી ના અધ્યક્ષ સ્થાને વાયુસેનાના જવાનો દ્વારા સુમધુર બેન્ડ કોન્સર્ટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાયુસેનાના વિશેષ ઉપકરણોની પ્રદર્શની યોજવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે વાયુસેના એ દેશનું ગૌરવ છે અને શક્તિશાળી વાયુસેનાએ દેશનાં નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભારતની વાયુસેના એ વિશ્વની આધુનિક વાયુસેના ગણાય છે. ભારતીય વાયુસેનામાં એર માર્શલ અર્જનસિંઘનું નામ અને યોગદાન અવિસ્મરણીય છે. ૧૯૬૫ના યુદ્ધમાં અર્જન સિંઘના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એર માર્શલ અર્જનસિંઘનાં આ અભૂતપૂર્વ નેતૃત્વ અને સાહસને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
આ પ્રસંગે એરફોર્સ ઓફિસર દિનેશકુમાર શર્મા દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ધૂન રજૂ કરવામાં આવી હતી. આ સાથે એરફોર્સ સંગીત બેન્ડ દ્વારા માર્શલ ટ્યુન એસ્ટ્રોનોટ, માર્શલ ટ્યુન વિજય ભારત, સોલો ફ્લ્યુટ અને વિવિધ બોલિવૂડના ગીતોની ધૂન વગાડવામાં આવી હતી. તે ઉપરાંત ગુજરાતી ગીત ’મહેંદી રંગ લાગ્યો’ની મધુર ધૂન વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે એર કમાન્ડર ચિફ દ્વારા રાજ્યપાલને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા.
ભારતીય વાયુદળનાં તમામ સૈનિકોને એર માર્શલ અર્જનસિંઘ પર ગર્વ છે. તેમણે ખાતરી આપતાં જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના શાંતિ અને યુદ્ધ એમ બંને સ્થિતિમાં દેશની આકાશી સરહદોનું રક્ષણ કરવાનાં હંમેશા તૈયાર છે. જાહેર જનતા એ ખૂબ મોટા સંખ્યામાં ઉપસ્થિત રહીને, વાયુસેનાનાં મ્યુઝીકલ બેન્ડની સુરાવલીને માણી હતી.