બંગાળ હિંસા : મોદી અને શાહની સાથે રાજ્યપાલ ત્રિપાઠીની મંત્રણા

397

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય હિંસાને લઇને રાજકીય તોફાનની સ્થિતિ વચ્ચે આજે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્રિપાઠીની મોદી અને અમિત શાહ સાથે બેઠકના પરિણામ સ્વરુપે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેચેન દેખાઈ રહ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રિપાઠીએ રાજ્યમાં રાજકીય હિંસા અને વર્તમાન સ્થિતિ અંગે અમિત શાહને ૪૮ પાનાનો અહેવાલ સુપ્રત કર્યો છે. જો કે, ગૃહમંત્રી સાથે બેઠક બાદ ત્રિપાઠીએ આને શિષ્ટાચારની ભેંટ તરીકે ગણાવી હતી. રાજ્યની સ્થિતિ અંગે તેઓએ માહિતી આપી છે. બંગાળમાં હિંસાને લઇને હજુ વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની વણસતી જતી સ્થિતિને લઇને નિવેદન જારી કરાયાના એક દિવસ અમિત શાહે આજે આંતરિક સુરક્ષાના પાસા ઉપર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બંગાળની રાજનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજકીય હિંસાને લઇને સ્થિતિ વણસી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ અમિત શાહ સાથે બેઠક યોજી હતી. મોદી સાથે પણ કેસરીનાથ ત્રિપાઠીએ બેઠક યોજી હતી. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની સંભાવનાના સંદર્ભમાં પુછવામાં આવતા ત્રિપાઠીએ કહ્યું હતું કે, બેઠક દરમિયાન આવી કોઇ વાતચીત થઇ નથી. રાજ્યપાલે લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પ્રથમ વખત બેઠક યોજી હતી. બંગાળના ગવર્નર ત્રિપાઠીએ આ અંગેની બાબતને સમર્થન આપ્યું હતું કે, તેઓ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપિત કરવા માટે એક સર્વપક્ષીય બેઠક માટેનો પ્રસ્તાવ મુકવા જઈ રહ્યા છે. તમામને કોલ કરવામાં આવશે. બેઠકમાં મમતા બેનર્જી સામેલ થશે તો તેમનું પણ સ્વાગત કરવામાં આવશે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સહિત અનેક નેતા પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી ચુક્યા છે. વિજયવર્ગીયનું કહેવું છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો રાષ્ટ્રપતિ શાસનની માંગણી તીવ્ર કરવામાં આવશે. ભાજપના સાંસદ સૌમિત્ર ખાને રાજ્યમાં કલમ ૩૫૬નો ઉપયોગ કરીને મમતા સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ત્રિપાઠીએ કહ્યું છે કે, પાંચ છ દિવસ પહેલા વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો હતો. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ આજે કાળા દિવસ તરીકેની ઉજવણી પણ કરી હતી અને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. બંગાળમાં ચૂંટણીના દરેક તબક્કામાં હિંસા થઇ હતી. શનિવારે ચાર લોકોના મોત બાદ રવિવારે ગૃહમંત્રાલય દ્વારા રિપોર્ટની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ મમતા સરકારે એડવાઈઝરીને કાવતરા તરીકે ગણાવીને વિરોધ કર્યો છે.

 

Previous articleચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજે લીધી નિવૃત્તિ
Next articleસરકારને અસ્થિર કરવાની તક અપાશે જ નહીં : મમતા