એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપમાં તાજેતરમાં જોડાઇને કમળના પ્રતિક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો. આશા પટેલ સમર્થિક વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો. આજે જાહેર થયેલા પરિણામોમાં સહકારી માંધાતા નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલની હાર થઇ હતી. પુત્ર ગૌરાંગ પટેલની હાર સાથે જ છેલ્લા ૩૩ વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલ સર્મથિત વિકાસ પેનલે ખેડૂત અને વેપારી એમ બંને પર કબજો જમાવ્યો હતો. આશા પટેલના સમર્થકો અને વિકાસ પેનલના ઉમેદવારોએ જીત બાદ ફટાકડા ફોડી, આતશબાજી કરી રેલી-સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું મોટુ માથું ગણાતાં નારણ લલ્લુના છેલ્લા ૧૯૮૬થી ચાલતા શાસન પર વિરામ મૂકાયું હતું. વિકાસ પેનલના દિનેશ પટેલે વેપારી અને ખેડૂત એ બંને જગ્યાએ જીત મેળવી હતી.
પોતે ધારાસભ્ય રહ્યા તેવા સમયે પણ તેમણે માર્કેટ યાર્ડની ધૂરા પોતાના હાથમાં રાખી હતી. જ્યારે તેમનો સિતારો ચાંદ પર હતો ત્યારે પુત્ર ગૌરાંગને ઊંઝા યાર્ડના ચેરમેન બનાવીને પોતાનું શાસન જાળવી રાખ્યું હતું. ઊંઝા યાર્ડ પર ક્યારેય ન આથમનાર સૂરજ કહેવાતા નારણ લલ્લુ પટેલનું રાજ પત્તાના મહેલની માફક ધરાશાયી થયું હતું. ઊંઝા માર્કેટ યાર્ડ પર ૧૩ વર્ષ નારણ લલ્લુ અને ૮ વર્ષ તેમના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન રહ્યા હતા. જ્યારે નારણ લલ્લુના સમર્થકોએ ૧૧ વર્ષ સુધી યાર્ડ પર કબજો રાખ્યો હતો. સૂત્રોની જાણકારી મુજબ, નારણ કાકાનું રાજકારણ ગુજરાતના ઊંચા ગજાના રાજકારણીએ પતાવ્યું છે. તેમની ચાલથી ડો. આશા પટેલે ભાજપમાં એન્ટ્રી કરી હતી. તેમની એન્ટ્રી સાથે જ નારણ લલ્લુની યાર્ડ પરનો એકાધિકાર પૂરો થવાની ધારણાઓ સાચી પડી છે. વિધાનસભાની પેટા ચૂંટણી ટાણે પણ ભાજપે નારણ પટેલનું પત્તુ કાપી આશા પટેલ પર વિશ્વાસ જતાવી તેમને ટિકિટ આપી હતી અને આશા પટેલ ભાજપની આશા પર ખરા ઉતર્યા હતા ત્યારે હવે આશા પટેલે ભાજપને ઊંઝા એપીએમસી સત્તા કબ્જે કરી બતાવી તેમની સ્થાનિક સત્તાની તાકાતનો પરચો કરાવ્યો છે તે જોતાં આગામી દિવસમાં ભાજપમાં આશા પટેલનું કદ વધશે તે નક્કી છે.