ગુજરાત ઉપર પ્રચંડ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેના પરિણામ સ્વરુપે તંત્ર સાબદુ બની ગયું છે. ૧૨ અને ૧૩મી જૂનના દિવસે જોરદાર વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના પણ દેખાઈ રહી છે. દરેક બંદર ઉપર એક નંબરનું સિગ્નલ મુકી દેવામાં આવ્યું છે. સાથે સાથે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
પૂર્વ મધ્ય અને નજીકના દક્ષિણ પૂર્વ અરેબિયન દરિયામાં ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે અને તે છેલ્લા છ કલાકમાં ૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. ડિપડિપ્રેશનની સ્થિતિ વધુ તીવ્ર બની છે અને વાવાઝોડામાં ફેરવાઈ જવાથી ખતરો તોળાઈ રહ્યો છે. આગામી ૨૪ કલાકમાં ચક્રવાતી વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. બેઠકોના દોર ચાલી રહ્યા છે. ચાર ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન પણ થઇ શકે છે.
દરિયામાં ઉંચા મોજા પણ ઉછળી શકે છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા.૧૨ અને ૧૩ જૂનના રોજ જોરદાર વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમના કારણે ૧૦૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. ભારે વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અને તંત્રના અધિકારીઓએ આજે એક મહત્વની બેઠક યોજી હતી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમ આગામી છ કલાકમાં ભારે સિસ્ટમમાં પરિવર્તિત થઈ રહી છે.
હાલ આ સિસ્ટમ વેરાવળથી ૯૩૦ કિમી દુર છે. થોડા કલાકો બાદ આ સીસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. રાજયમાં જોરદાર વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ સંભવિત સ્થાનો પર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાની તજવીજ હાથ ધરાઇ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, બે દિવસ બાદ તા.૧૨ જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. ૧૩ જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ. રાજયમાં ભારે વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની શકયતા જોતાં સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તો સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. આગામી તા.૧૨થી ૧૫ જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જાફરાબાદ, ઉના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગાર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. ૪૨થી લઇ ૪૬ ડિગ્રી સુધીનો તાપમાનનો પારો લોકોને પરસેવે રેબઝેબ કરી રહ્યો છે. ત્યારે ૧૨ જુનથી ગરમીમાં રાહત થાય તેવા સમાચારને લઇ પ્રજાજનોમાં હવે ચોમાસાના આગમનને લઇ ભારે ખુશીની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.