ચાલો, કંડારીએ કેળવણીની કેડી

856

મહાત્મા ગાંધી જીવનમાં કેળવણીને ખૂબ મહત્ત્વ આપતા હતા. એમાંય બાળ કેળવણીનું અદકેરું મહત્ત્વ છે. સામાન્ય રીતે બાળપણમાં પડેલી ટેવો જીવનપર્યંત રહેતી હોય છે. ગુજરાતીમાં કહેવત છેઃ ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.’ આ સનાતન સત્ય છે. જીવન ઘડતરનો આ અત્યંત નાજુક અને અગત્યનો તબક્કો હોય છે. આ ઉંમરે મનમાં રોપાતા વિચારરૂપી બીજ સમય વિતતા વૃક્ષ સ્વરૂપે વિકસતા હોય છે. સાચું જ કહેવાયું છે કેઃ ‘કુમળા છોડને જેમ વાળો તેમ વળે.’ નાનપણમાં રોપવામાં આવેલા આધ્યાત્મિક વિચારો, સાંસ્કૃતિક ઉન્મેષો જેવા મૂલ્યલક્ષી ગુણોનું શિક્ષણ વ્યક્તિને યુવાન વયે ઉપયોગી બને છે. શાળા અને કુટુંબની એ જવાબદારી પણ છે. બાળકોમાં ઉત્તમ ગુણોનું તેના વિકાસના પ્રત્યેક તબક્કાઓમાં સિંચન થાય અને તેના માટે કાળજી લેવાય. આ જ ઉંમરે નિર્ભયતા, આત્મવિશ્વાસ અને સાહસના બીજ વ્યક્તિના ઉત્તમ ઘડતર માટે રોપવા જોઈએ. જો બાળકની કેળવણીમાં આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો મોટપણે તે ગુણો વિકસાવવામાં ખૂબ ઉપયોગી નીવડે પણ જો આવી નાજુક બાબત પર પણ મા-બાપ બેદરકાર રહે તો મોટપણે તેના બાળકને સહન કરવું પડે. એ જિંદગીમાં કોઈ પણ પ્રકારનું સાહસ કરતા ડર અનુભવે, વિચારોની ખાઈમાં ગરકાવ થઈ તેમાંથી બહાર નીકળવા જીવનપર્યંત મથામણ કરવી પડે. તેમની અથાક મહેનત, પરિશ્રમ પણ નિર્ણયોના અભાવે સફળતા અપાવી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો તેમનામાં રહેલી અગાધ શક્તિઓ વપરાયા વગર નકામી પુરવાર થાય. તેજસ્વી ઊર્જા ધરાવતું બાળક પણ બાળપણની કેળવણીમાં આવેલ અંતરાયોના કારણે યોગ્ય પરિણામ મેળવવામાં નિષ્ફળ જાય છે. આ વાત સમજવા મને એક ઉદાહરણ અહીં ટાંકવાનું મન થાય છે.

એક હાથી મોટું શરીર ધરાવતો હોવા છતાં તેની શક્તિઓ કુંઠિત થવાના કારણે તેના પગમાં બાંધવામાં આવેલી સામાન્ય દોરીથી પણ જકડાય જઈ હાલીચાલી શકતો નથી. એક યુવાનની નજર આ હાથી પર પડે છે. હાથીની પાસેથી પસાર થઇ રહેલો યુવાન હાથીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે. હાથી બહુ દૂર સુધી કમ્પસમાં જતા અટકી જાય છે. તેને થયું આટલું કદાવર જાનવર કેમ લાંબું અંતર ચાલી શકતું નથી? હાથીની નજીક જઈને જોયું. હાથીનો પગ પાતળી દોરીથી એક ખીંટી સાથે બાંધી દેવામાં આવ્યો હતો. તેથી હાથી વધારે દૂર સુધી હાલીચાલી શકતો નહોતો. તે તેને બાંધવામાં આવેલી દોરીના કારણે કમ્પાઉન્ડની બહાર ફરવા પણ જઈ શકતો નહોતો. એટલું જ નહીં પરંતુ હાથી તે દોરી તોડી શકવા સમર્થ હોવા છતાં પણ તે પ્રયત્ન કરતો નહોતો. યુવાનને આ જોઈને ભારે આશ્ચર્ય થયું! યુવાને હાથીને તાલીમ આપતા ભાઈને ત્યાં ઉભેલા જોયા. તેમને પૂછ્યુંઃ -આ હાથી આટલી પાતળી દોરી પણ તોડી શકતો નથી? દોરીને કારણે તો તેનું હરવા-ફરવાનું મર્યાદિત થઈ ગયું હોવા છતાં પણ તે દોરીના ત્રાસમાંથી છૂટવા કેમ માંગતો નથી? તાલીમ આપનાર ભાઈ બોલ્યાઃ ‘દોસ્ત, આ જ તો તકલીફ છે! સાચી વાત તો એ છે કે હાથી નાનો હતો ત્યારે આ દોરીથી તેને બાંધવામાં આવ્યો હતો. તે ઉંમરે તે જરૂરી હતું, વળી તે નાનો હતો ત્યારે દોરી તોડી શકે તેવી શક્તિ ધરાવતો ન હતો. પરંતુ તે મોટો થયો પછી પણ દોરી તોડવા સમર્થ નથી એવું તેના મનમાં જડબેસલાક બેસી ગયું છે, આ તેની મર્યાદા છે. પાંખ હોવી એટલું કંઈ પૂરતું હોતું નથી જોમ સાથે ઊડવાની ચાહ હોવી જોઈએ. યુવાન તો આશ્ચર્યચકિત થઇ ગયો. આટલા કદાવર હાથી માટે તો આટલી પાતળી દોરી તોડવાનું કામ રમત વાત હતી. પરંતુ તે માન્યતા એવી દૃઢ થઈ હતી કે તે દોરી તોડી શકશે નહીં અને તેથી તે દોરી તોડવાનો પ્રયત્ન કરતો પણ નહોતો. આમ, મિત્રો કહી શકાય કેઃ ‘બાળપણમાં કોઈ પણ બાબત પર દિલમાં ડર પેસી જાય તો બાળકો મોટા થયા પછી પણ તે ભયમાંથી જીવનપર્યંત મુક્ત થઈ શકતા નથી. માતા-પિતા બનનાર ખૂબ ઓછા લોકોને વ્યક્તિની આવી જીવન સાથે સંકળાયેલી અતિમહત્ત્વની સંવેદનશીલ જાણકારી હશે. ઘણા મા-બાપ તોફાન કરતા બાળકોને તોફાન બંધ કરાવવા કેટલાક પાત્રોના નામ આપી ડરાવતા હોય છે; જેવા કે- બાવો, પોલીસ, બાઘડો. જોકે મા-બાપના આવા પ્રયોગો બાળકોના તોફાનને શાંત કરી દેવા જે તે સમયે સફળ થતાં હશે. પરંતુ આવા મા-બાપ તેના જ સંતાનોને જીવનભર સાહસિક પ્રવૃત્તિઓમાંથી તેને વિમુખ બનાવી, શાંત કરી દે છે. પરિણામે પોતાનું લાડકોડથી ઉછરી રહેલું સંતાન આખરે બબૂચક બને છે. આ બધી સમસ્યાઓના ઉકેલ માટે આપણે બાળ કેળવણી પર ભાર મૂકવો જોઇએ. આમ તો, શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણ એટલે શીખવું, શીખવવાની પ્રક્રિયા કહેતા હોય છે પણ આજકાલ પ્રાથમિક શાળાઓમાં શીખવવાની પ્રક્રિયા વધારે થાય છે. શીખવાનો પ્રયત્ન લગભગ કોઈ શિક્ષક કરવા માંગતો હોય તેવું પહેલી નજરે ક્યાંય દેખાતું નથી, તેમ છતાં એમ કહી શકાય કે- આજે પણ કેટલીક પ્રાથમિક શાળાઓમાં બાળકોની ઉત્તમ કેળવણી માટે શિક્ષકો દિલ દઇને કામ કરતા હોય છે. કેટલાક શિક્ષકો બાળકોને નકામી ચીજવસ્તુઓમાંથી પણ ઘરની શોભા વધારી શકે તેવી ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કરવાની પ્રવૃત્તિ શીખવતા હોય છે-આ જ તો છે ખરી કેળવણી. મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ કે આપણા ગિજુભાઈ બધેકા જેવા અનેક મહાનુભાવોએ ઉત્તમ કેળવણીનો માર્ગ પ્રસ્થાપિત કરી આપણને તેના પર ચાલવા નિર્દેશ કર્યો છે.

થોડા સમય પહેલાં ત્રીજી મેના રોજ બગદાણા પાસે આવેલ દેગવડા ગામની પ્રાથમિક શાળામાં જવાનું થયું. શાળામાં ધોરણ ૮ ના બાળકોને વિદાય આપવાનો સમારંભ ચાલતો હતો. સમારંભમાં કેટલાક બાળકો સુંદર મજાના અભિનય ગીત પ્રસ્તુત કરી રહ્યા હતા. શાળાના શિક્ષક શ્રી બાબુભાઈ ગોહિલના હાર્મોનિયમના સ્વરે છેડાતા સંગીત સાથે બાળકોનો તાલમેલ ધ્યાન ખેંચે તેવો હતો. સામાન્ય બાળકોની પ્રાથમિક શાળામાં દિલને ટાઢક આપે તેવું સંગીતમય વાતાવરણ સૌ કોઈને આકર્ષી જાય તેવું હતું, તો બાળકોને ઉદ્દેશીને કાર્યક્રમના પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી હિંમતભાઈ બાવળિયાએ કહેલી વાતો બાળકેળવણીના પ્રત્યેક પાસાઓને ઉજાગર કરી, બાળકોના જ્ઞાનદીપકને પ્રજ્વલિત કરી શકે તેવું જીવન ઉપયોગી ભાથું પીરસવામાં આવ્યું હતું. કેન્દ્રવર્તીના આચાર્યશ્રી ભગુભાઈ ભમ્મરે શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વયં-શિસ્ત, પોતાનું કામ જાતે કરવું, સ્વાવલંબી બનવું, અન્યને દુઃખ પહોંચાડે-પીડા આપે તેવા કાર્યોથી દૂર રહેવા જેવા જીવન ઉપયોગી અનેક મંત્રો આપી ખરી બાળકેળવણી શું છે? તેની પ્રતીતિ કરાવી હતી.

આ કાર્યક્રમના માધ્યમથી મને એ જાણવા મળ્યું કે રાજ્ય સરકાર પ્રત્યેક પ્રાથમિક શાળાઓમાં એક સંગીત શિક્ષક નિયુક્ત કરે તો દરેક શાળામાં સંગીતનું આગવું વાતાવરણ ઊભું થાય એટલું જ નહીં કલા શિક્ષણના પારખુ એવા હજારો પ્રજ્ઞાચક્ષુઓને સંગીત શિક્ષક તરીકે શાળામાં કામ પણ મળી શકે. પરિણામે બાળકોને જીવનની ખરી કેળવણી શું છે? તે વર્ગખંડમાં અને પ્રાર્થના સભાના માધ્યમથી શીખવા અને જાણવા મળે. જે દેશના બાળકો શાળાકાળ દરમિયાન સાચી કેળવણી પામી શકે તે દેશનું ભાવિ પણ ખૂબ ઉજળું બનતું હોય છે.

એક તત્ત્વચિંતકને કોઈ દેશના પ્રધાનમંત્રીએ પોતાના મંત્રીમંડળની બેઠકમાં આમંત્રણ આપી બોલાવ્યા. તેમને પૂછવામાં આવ્યું કેઃ ‘બેઠકમાં જે મુદ્દાઓની છણાવટ થઈ તે પ્રત્યેક વહીવટી મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં જો અમારી સરકાર તૈયાર કરેલી યોજનાઓને અમલમાં મૂકે તો તમો આ દેશના ભાવિ વિશે શું કહેવા માંગો છો?’ સાંભળી તે તત્ત્વચિંતકે કહ્યું કેઃ ‘કોઈ દેશના ભાવિ વિશે તેના મંત્રીમંડળની બેઠકમાં હાજરી

આભાર – નિહારીકા રવિયા  આપી કંઈ કહેવું ઘણું જોખમભર્યું કહેવાય, કારણ કે આવી બેઠકોમાં દેશના ભાવિનું ચિંતન જાણી શકાય નહીં દેશના ભાવિ વિશે મારી પાસેથી તમો જો કંઈ જાણવા માંગતા હો તો મને તમારા દેશના શિક્ષકો સાથે એક કલાક સમય પસાર કરવા આપો એટલે કે તેની સાથે એક કલાકની ગોષ્ઠિ કરવાની તક આપો. ત્યાર બાદ જ હું આ દેશના ભાવિ વિશે કંઈ પણ કહી શકું. આપણા કોઠારી કમિશને પણ કહ્યું હતું કેઃ ‘દેશના સાચા ભાવિનું ઘડતર તેના વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે થતું હોય છે,’ પરંતુ આ વાતને આપણે બહુ ધ્યાન પર લીધી નથી. આજનો શિક્ષક પત્રકોનો પંડિત જરૂર થયો છે પણ કેળવણીના “ક” નો કાયર પણ થયો છે. કારણ કે તેને છાસવારે થતી ચૂંટણીની કામગીરી, વસ્તી ગણતરી, સ્વચ્છતા અભિયાન, ગરીબ કલ્યાણ મેળાની વ્યવસ્થા, ગ્રામસભા જેવા કેટલાય કામો તેના પર થોપી બેસાડવામાં આવ્યા છે. તો ઓનલાઇન હાજરી, સાપ્તાહિક ટેસ્ટનું ગુણાંકન ઓનલાઇન મોકલવાની કામગીરી, પણ હમણાં હમણાં વધી છે. પરિણામે વર્ગખંડમાં બેઠેલા બાળકો સાથે આત્મીયતાભર્યા સંબંધો કે વ્યવહાર શિક્ષક સ્થાપી શકતો નથી.

વિદ્યાર્થીઓને શાંત રાખવા શિક્ષકો દ્વારા બ્લેકબોર્ડ પર લખેલી સૂચનાઓ મુજબ લેખિત કાર્ય તો સોંપાય છે, પરંતુ બાળક તે આત્મસાત કરે છે કે કેમ? તે જોવાનો કોઈ શિક્ષક પાસે સમય નથી. મશીનની જેમ શિક્ષકો અને બાળકો શાળા સમય પૂરો થતા છૂટા પડે છે. ત્યાં સંગીતના સુમધુર નાદને કે પ્રાર્થના સભામાં સ્વયં-શિસ્તના પાઠને કેળવી શકે તેવી વાતોને કેવી રીતે સ્થાન મળશે? હું જે કોઈ શાળામાં જઉં છું ત્યારે બાળકોની પ્રતિભા જોઈ પ્રભાવિત જરૂર થાઉં છું પણ પ્રતિભાસંપન્ન બાળકોને શીખવાની તાલાવેલી હોવા છતાં શિક્ષક વિહોણા જોઈ અંદરથી દુઃખી થાઉં છું. રાજ્ય સરકારે બાળકોની ખરી કેળવણી માટે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે. માત્ર ગુણોત્સવ કે પ્રવેશોત્સવ કેળવણીની કેડી કંડારી શકશે નહીં. એ કેડી કંડારવા સરકારે શિક્ષક પર ભરોસો મૂકવો પડશે. ઓનલાઇનના ભૂતમાંથી ઊગારી શકે તેવો ‘ભૂવો’ શોધવો પડશે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓના બાળકોની હાજરી કે સાપ્તાહિક કસોટીના ઓનલાઇન મોકલાતા ગુણોની ચકાસણી રાજ્યકક્ષાએ કરવાનું અને તેના દ્વારા માર્ગદર્શન મળવાનું વ્યવહારુ રીતે અશક્ય અને અસંભવ છે. તેથી નિરર્થક માર્ગે આગળ વધવાનો કોઈ અર્થ નથી. બાળકોની ખરી કેળવણીને પોષે તેવી પ્રવૃત્તિઓને શિક્ષણમાં સ્થાન મળવું જોઈએ. રમત-ગમત, સંગીત, ચિત્રકામ અને સમૂહ જીવનની પ્રવૃત્તિઓને શાળાના અભ્યાસક્રમ સાથે વણી લેવી જોઈએ તો જ ખરી કેળવણીના ફળ આપણે પામીશું.

Previous articleજાફરાબાદમાં સરકારી વિનિયન કોલેજમાં પ્રવેશ શરૂ કરાશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે