અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવદમાં આજે પારો ગગડીને ૯.૮ ડિગ્રી થઇ ગયો હતો જ્યારે ગાંધીનગરમાં પારો ૯ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં પારો આજે ૧૧થી નીચે પહોંચ્યો હતો જેમાં અમદાવાદ, ગાંધીનગર, નલિયાનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓએ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મોડી સાંજે ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધી શકે છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થનાર નથી. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે બપોરે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ તથા ઉત્તરાખંડના ઉંચાણવાળા ભાગોમાં હિમવર્ષાના પરિણામ સ્વરુપે ઠંડીમાં ફરી એકવાર વધારો થયો છે. આની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે.હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી બાજુ સ્થાનિક આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ઘટાડો કે વધારો થશે નહીં. સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૯.૮ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે અને તાપમાન ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે ગાંધીનગરમાં ૯ અને મહુવામાં ૧૧.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે ભાવનગરમાં ૧૪.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું.