પાલીતાણાના વડાલ ખાતે એશિયાટીક લાયન સેન્ટરનું મંત્રી ગણપત વસાવાનાં હસ્તે ઉદ્દઘાટન

804

પાલીતાણા તાલુકાના વડાલ ખાતે ગુજરાત સરકારના વન,આદિજાતિ વિકાસ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા વન્ય જીવોના સંરક્ષણ માટે અતિ આધુનિક એવા એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સેન્ટરમાં ફુલટાઈમ વેટરનીટી ડોક્ટર,લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર,તેમજ એનિમલ કીપર હાજર રહેશે.ઉપરાંત આ કેન્દ્રમાં વન્યપ્રાણીઓના બચાવ માટે ટ્રાંકીલાઇઝિંગ ગન, લેબોરેટરી, એક્સ રે, ઓપરેશન થિયેટર, પોસ્ટમોર્ટમ રૂમ,આધુનિક પિંજરા વગેરે જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વનમંત્રી ગણપતસિંહ વસાવાએ વનવિભાગના આ કાર્યને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે વન્યજીવો ના રેસ્ક્યુ તેમજ સારવાર માટે આ સેન્ટર આશીર્વાદ રૂપ સાબિત થશે.વધુમાં જણાવ્યું હતું કે વન્ય જીવોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ કરોડ તથા ગુજરાત સરકાર દ્વારા ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે અને વન્યજીવોની તકેદારી માટે સરકાર હંમેશ જરૂરી પગલાં લેવા કટિબદ્ધ છે અને તેથી જ એક સમયે માત્ર ૧૮ ની સંખ્યા પહોંચી ગયેલી સિંહોની સંખ્યા આજ ૬૦૦ ને પાર થઈ ચૂકી છે.  સાસણ પર પર્યટકોનું ભારણ ન વધે તે માટે સાસણમાં શરૂ કરાયેલ નવા સફારી પાર્ક જેવો જ સફારી પાર્ક સિહોર ખાતે પણ શરૂ કરવાની જાણકારી આપી હતી.તેમજ આ કાર્યક્રમમાં વન્યપ્રાણીઓ દ્વારા મારણ કરાયેલા પશુ માલિકોને વળતરરૂપે ચેક અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુંબેન મકવાણા, વન વિભાગના અગ્ર વન સંરક્ષક ડો. ડી.કે.શર્મા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી નાગજીભાઈ વાઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબીએમએસ દ્વારા પ્રતિક ધરણાં
Next articleવેકેશન પૂર્ણ, શાળાઓ ખુલી