વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધની મેચમાં શાનદાર સદી ફટકારનારા ઓપનર શિખર ધવન અંગૂઠાની ઈજાના કારણે ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટ નહીં રમી શકે. ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી.
ધવનને ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઇલના ઉછળતા બોલથી ઈજા થઈ. તે ઈજા થઈ હોવા છતાંય બેટિંગ કરતો રહ્યો. બાદમાં તકેદારી રૂપે ઓસ્ટ્રેલિયન ઇનિંગ દરમિયાન ફીલ્ડિંગ કરવા નહોતો આવ્યો. તેના સ્થાને રવિન્દ્ર જાડેજાએ ફીલ્ડિંગ કરી.
ટીમ ઈન્ડિયામાં હવે શિખર ધવનના સ્થાને પંત પણ ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે. પંત રિઝર્વ પ્લેયર્સમાં સામેલ છે. પંતે એટલા માટે પણ વિરાટની પસંદ હોઈ શકે છે કારણ કે પંત આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તેનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આમ પણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં પંતને સામેલ ન કરાતાં પૂર્વ ક્રિકેટરોએ તેની ટીકા કરી હતી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સામે હવે સૌથી મોટો પડકાર ધવનના વિકલ્પને લઈને છે. આમ તો ટીમની પાસે કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક જેવા બેટ્સમેન છે. કેએલ રાહુલ હાલ ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. પરંતુ ઓપનર તરીકે ટીમ માટે મેદાનમાં ઉતરી રહ્યો છે. બીજી તરફ, દિનેશ કાર્તિક રિઝર્વ વિકેટકિપર તરીકે ટીમની સાથે છે. એવામાં તે પણ આ જવાબદારી સંભાળી શકે છે.