જયંતિ ભાનુશાળીની હત્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય કાવતરાખોર તરીકે છબીલને પકડી પાડ્યો છે. તેના પુત્ર સિધ્ધાર્થ પટેલ અને વર્ષ ૨૦૦૯થી પાર્ટનર એવા રાહુલ પટેલને પણ પકડી પાડ્યા છે. પાર્ટનર રાહુલની જામીન અરજી તાજેતરમાં રદ કરાઇ છે. તેની સામે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હોવાનો પોલીસે દાવો કર્યો છે. રાહુલે પોતે બાઇક શાર્પશૂટરોને આપી હતી. છબીલ પટેલે મોબાઇલ ફોન પરથી પોતાના પૂર્વ પીએ નરેન્દ્ર મહેશ્વરીને બાઇકની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પોતાના પુત્ર સિધ્ધાર્થને દાડમના પાકના સર્વે કરવાનું હોવાથી બાઇકની જરૂરીયાત હોવાનું કારણ અપાયું હતું.ત્યારબાદ છબીલ પટેલે પોતાના પુત્ર સિધ્ધાર્થ અને પાર્ટનર રાહુલને પોલીસ કર્મચારી જયંતી મહેશ્વરીનું નામ અને સેલ નંબર આપી આની પાસેથી બાઇક મેળવી લેવા જણાવ્યું હતું. જેના પગલે સિધ્ધાર્થ પટેલ અને રાહુલ પટેલ સાથે મળીને ભુજમાં પોલીસ કર્મચારી જયંતિ મહેશ્વરી પાસે બાઇક લેવા ગયા હતા. ભુજના સ્વામિનારાયણ મંદિર સામેથી આ બે શખ્સોને નંબર વગરની બાઇક લેવાની હતી.
સિધ્ધાર્થના કહેવા અનુસાનર આ બાઇક રાહુલ ખૂદ ત્યાંથી ચલાવી તેના ઘર તરફ લઇ ગયો હતો. જ્યારે રાહુલની કાર સિધ્ધાર્થ ચલાવી લઇ ગયો હતો. સિધ્ધાર્થની સુચનાથી રાહુલે ફાર્મહાઉસમાં રોકાયેલા શાર્પશૂટરને રેકી માટે પોતાનુ હેલ્મેટ પણ આપ્યુ હતુ.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે જે બાઇકનો ઉપયોગ કરાયો હતો તે કાળા રંગની હતી. ત્યારબાદ તેની ઓળખ છુપાવવા સિલ્વર રંગ કરાયો હતો. તે આરોપ પણ છબીલના પાર્ટનર રાહુલ સામે છે.