ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે મેઘરાજાએ રિસામણા કરતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં અછતનો માહોલ સર્જાયો છે ત્યારે સૌથી વિકટ પારાયણ પાણીની જોવા મળી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોના જીવાદોરી સમાન ડેમોમાં નવું વરસાદી પાણી ના ભરાતા રહેલા સંગ્રહ કરેલો પાણીનો જથ્થો લોકોને પીવા માટે આપવામાં આવતા હાલમાં તમામ ડેમો તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકોને પીવા માટે પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણીનું વિકટ સંકટ સર્જાયું છે અને જો વરસાદ આ વર્ષે પણ ખેંચાશે તો ઉત્તર ગુજરાતના જગતના તાત સહિત લોકો માટે ભયંકર પાણીની સમસ્યા સર્જાશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ધરોઈ ડેમો સંગ્રહ થતા વરસાદી પાણી સમગ્ર વર્ષ માટે ઉત્તર ગુજરાતના લોકો પીવા તેમજ સિંચાઈ માટે આપવામાં આવે છે. પરંતુ ગત વર્ષે ઉત્તર ગુજરાતમાં નહીવત વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં પણ પાણી ના આવતા ડેપોમાં પાણીના સ્તર વધ્યા ન હતા. તો ચાલુ વર્ષે પાટમ, બનાસકાંઠામાં દુષ્કાળના ડાકલા વાગતા પાણીની ભારે પારાયણને લઈ પાણીની અછત વર્તાઈ હતી.
લોકોની તરસ છીપાવવા ઉત્તર ગુજરાતના દરેક ડેમોમાંથી સંગ્રહ કરેલા પાણી પીવા માટે વપરાતા ડેમના પાણીના સ્તર તળિયે આવી જવા પામ્યા છે અને હાલ તમામ ડેમો પાણી વિના જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ વધુ થતા ડેમોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા છે. ચાલુ વર્ષે પણ હજુ સુધી ચોમાસાના કોઈ ચોક્કસ અણસાર દેખાયા નથી. જો વરસાદ આ વર્ષે ખેંચાશે કે નહિવત પડશે તો સમગ્ર ઉત્તર ગુજરાતના ડેોમાં બચેલો ૧૦ થી ૧૪ ટકા પાણીનો જથ્થો પણ વપરાઈ ગયા બાદ ડેમો ખાલીખમ જોવા મળશે અને જેને લઈ પાણી ના મળતા જગતના તાત સહિત પશુપાલકો અને પાણી પાઈપલાઈન મારફતે પાણી મળતા અંતરિયાળ ગામડાઓમાં પાણીની ભારે તંગી સર્જાશે અને જેને ભયંકર સ્થિતિ ઉભી થશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ બન્ને ડેમના પાણી જ્યાં નર્મદા નહેર નથી એવા ગામોમાં આ ડેમનું પાણી આપવામાં આવે છે. જેમાં બનાસકાંઠાના મોટાભાગના ગામોમં તેમજ પાટણ જિલ્લાના બનાસકાંઠાની સરહદે વસેલા ગામોનો પણ સમાવેશ થાય છે અને જો ડેમોમાં પાણી ખૂટી પડે તો આશરે એક હજાર ગામના લાખો લોકોને તેની અસર થશે.
દાંતીવાડા સહિત ડેમોમાં પાણી ભરવા માટે સરકારે કરોડો રૃપિયાના ખર્ચે ડેમથી નર્મદા નહેરને જોડતી પાઈપલાઈન નાખવામાં આવે છે. પરંતુ વર્ષોથી આજદિન સુધી નર્મદાના નીર ડેમોમાં ઠાલવી પાણી ભરવામાં આવ્યા નથી અને જેને લઈ કરોડો રૃપિયાના ખર્ચે નાખવામાં આવેલ નર્મદા પાઈપલાઈન શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે.
હાલ ડેમોમાંથી ખેતી માટે પાણી સદંતર બંધ કર્યું છે. ડેમમાં પાણીની આવક બંધ થતાં કૂવા બોરમાં પાણી ઉંડા ગયા છે. જેથી ખેડૂતો પણ પાણી વગર વાવણી કરતા ગભરાઈ રહ્યા છે. હવે તો બધાનો આધાર એકમાત્ર મેહુલો છે. જેની રાહ જોવાઈ રહી છે.
આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીને કારણે ઉત્તર ગુજરાતના ડેમો ઉપરાંત નદી, નાળામાં પાણીના બાષ્પીભવનના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે અને ઉપરવાસના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ ઓછો પડતાં ધરોઈ, દાંતીવાડા સહિતના ડેમોમાં પાણીનો આવરો નહીવત રહ્યો હતો. વળી આ વખતે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોવાથી પાણી બાષ્પીભવન થવાનું પ્રમાણ વધતાં તમામ ડેમોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની છે.