જિલ્લામાં ૧૪૦ તળાવો ઊંડાં કરાતાં ૧૨૦૦MLD પાણીનો સંગ્રહ થશે

531

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાલ ગાંધીનગર જિલ્લામાં પાણીના સંગ્રહ માટે તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ૧૫મી જૂન સુધી કુલ ૧૪૦ તળાવોને ઊંડા કરવાની ગામગીરી પૂર્ણ કરી લેવાશે. એટલે જો સારો વરસાદ પડે અને આ તળાવો ફૂલ થાય તો કુલ ૧૨૦૦ એમએલડીથી પણ વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે. જેમાં કુલ ૪.૩૮ કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો છે, એટલે કે એક તળાવની કામગીરી પાછળ અંદાજે ૩ લાખથી વધુનો ખર્ચ કરાય છે.

ગાંધીનગર જિલ્લામાં લોક ભાગીદારીથી ૧૧૮ અને મનરેગા યોજના અંતર્ગત ૨૨ મળી કુલ ૧૪૦ ઊંડા કરાશે. જેમાં મનરેગા અંતર્ગત ગાંધીનગર તાલુકામાં ૨, માણસામાં ૮, કલોલ અને દહેગામમાં ૬-૬ તળાવોમાંથી અમુકની કામગીરી પુરી થઈ ગઈ છે અને બીજાની કામગીરી પૂર્ણતાના આરે છે.

ભાગીદારી હાલ ૮૭ જેટલા તળાવો ઘણાખરાની કામગીરી કરી લેવાઈ છે. તો બાકી રહેલાં ૩૧ જેટલા તળાવોની કામગીરી પણ શરૂ કરીને ૧૫ જુન સુધી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવો ઊંડાં કરવાની કામગીરી કરાઈ રહી છે. જિલ્લામાં ભૂગર્ભ જળની સપાટી અંદાજે ૩૫૦ ફૂટ જેટલી ઉંડી છે. જોકે, ઘણા વિસ્તારોમાં આ સપાટી ૬૦૦ ફૂટ જેટલી પણ છે. જેને પગલે તળાવો ઉંડા કરીને પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભ જળની સપાટી ઉપર લાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આ સિવાય તળાવમાંથી નીકળેલી માટીમાંથી નિચાણવાળા વિસ્તારોમાં પુરાણ, રસ્તાઓનું લેવલિંગ, શાળા, આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સરકારી મકાનોના કમ્પાઉન્ડમાં પુરાણ, તળાવના પાળાઓ મજબુત કરવા જેવી કામગીરી થાય છે.

Previous articleસેક્ટર-૭ની પ્રાથમિક શાળામાં ફાયર સેફ્‌ટી તો નથી, મકાન પણ જર્જરિત
Next articleગાંધીનગર જિલ્લામાં ધોરણ-૧માં ૧૩,૨૮૭ અને ધોરણ-૯માં ૧૪,૩૮૧ બાળકો પ્રવેશ મેળવશે