પશ્ચિમ બંગાળમાં હિંસાનો દોર જારી રહ્યો છે. રક્તપાતના દોર વચ્ચે પણ પરિસ્થિતિ કાબૂમાં હોવાની અને રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની હાલમાં કોઇ ચર્ચા ચાલી રહી નથી. અલબત્ત ભારતીય જનતા પાર્ટીના એક વર્ગ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવાની જરૂર છે. રક્તપાતના દોર વચ્ચે આજે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લાના કાંકીનારામાં બોંબ બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે. સાથે સાથે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. લોકસભાની ચૂંટણી બાદ ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ જારી રહી છે.
આ અથડામણમાં કારણે હાલત વધારે ખરાબ થઇ રહી છે. જો કે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી કે પ્રદેશમાં માહોલ ખરાબ કરવામાં કોની ભૂમિકા રહેલી છે.
સ્થાનિક લોકોનુ કહેવુ છે કે કેટલાક વણઓળખાયેલા લોકો દ્વારા બોંબ ઝીંકવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં લુટની ઘટના પણ બની રહી છે. આ પહેલા સંઘ અને ભાજપના કાર્યકરોના મૃતદેહ વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.
બંગાળમાં હાલમાં મમતા બેનર્જી સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઇ છે. એકબાજુ મમતા બેનર્જી સમગ્ર વિવાદને અસ્મિતા સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. હિંસાના જારી રહેલા દોર વચ્ચે કેન્દ્ર સરકાર સ્તર પર પણ વાતચીત જારી રહી છે. પશ્ચિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સહિત અનેક નેતા પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી ચુક્યા છે. વિજયવર્ગીયનું કહેવું છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો રાષ્ટ્રપતિ શાસનની માંગણી તીવ્ર કરવામાં આવશે. ભાજપના સાંસદ સૌમિત્ર ખાને રાજ્યમાં કલમ ૩૫૬નો ઉપયોગ કરીને મમતા સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ગઇકાલે કાળો દિવસ મનાવ્યો હતો. વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. બંગાળમાં ચૂંટણીના દરેક તબક્કામાં હિંસા થઇ હતી. શનિવારે ચાર લોકોના મોત બાદ રવિવારે ગૃહમંત્રાલય દ્વારા રિપોર્ટની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ મમતા સરકારે એડવાઈઝરીને કાવતરા તરીકે ગણાવીને વિરોધ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, બંગાળમાં રાજકીય હિંસાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ સોમવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી. તેમને રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. ચૂંટણી બાદની હિંસામાં બંગાળમાં ડઝનથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમ વખત ગૃહમંત્રી અને વડાપ્રધાન સાથે ત્રિપાઠીએ બેઠક યોજી હતી. બંગાળમાં હાલત ખુબ કફોડી બનેલી છે.