મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ. ૩૫૦ કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે. તે પેકેજની બધી કામગીરી સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા વન વિભાગના અધિકારીઓને સુચના આપી છે. જુનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહસદનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વન મંત્રી ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સિંહ એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે અને ગુજરાત પ્રવાસન પ્રવૃત્તિમાં પણ સિંહ અને સાસણ ગીર અભયારણ્યનું મહત્વ છે. ત્યારે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળીયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા વન વિભાગ ઉભી કરે.
આ સાથે જ રૂપાણીએ આંબરડીમાં સિંહ દર્શન માટે પર્યટકોની સુવિધા માટે જરૂરી વાનની વ્યવસ્થા કરવા પણ સુચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ ગીરનાં વન અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ વાહનની જગ્યાએ ટુરીસ્ટ માટે ઇલેક્ટ્રીકથી ચાલતા વાહનોની પણ વ્યવસ્થા થાય તે જોવા ખાસ અનુરોધ કર્યોહતો. મુખ્યમંત્રીએ ગીર વન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન અટકે તે માટે પણ સઘન પગલા લેવાં વન અધિકારીઓને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ લાયન પેકેજની વિવિધ અગત્યની લાયન હોસ્પીટલ, સિંહો માટે સઘન સારવાર કેન્દ્ર, સિંહો માટે અન્વેષણ, સંશોધન અને નિદાન કેન્દ્ર, ડ્રોનથી દેખરેખ, રેડીયો કોલરથી દેખરેખ, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે આધુનિક લાયન એમ્બ્યુલન્સ વાન, સિંહો માટે કોરેન્ટાઇન સેન્ટર, શેત્રુન્જી ડીવીઝનની રચના, લાયન કન્ઝર્વેશન એક્ટીવીટી સાથે સંકળાયેલ સ્ટાફની તાલીમ, રેસ્ક્યુ સેન્ટરનું સુદ્રઢીકરણ, એનીમલ એક્ચેન્જ, વેટરનરી કેડરની સ્થાપના, આઇ.સી.યુ. સારવાર કેન્દ્ર, રસીકરણ, વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.