મહુવા તાલુકાનાં મૂળ તરેડી ગામના અને હાલ લોંગિયા ગામની સીમમાં ભાગ રાખીને રહેતા ખોડાભાઈ જીવાભાઇ મેર પાસે માત્ર કાચું ઢાળિયું તેમજ એક પાડી અને ભેંસ છે. આ જ તેમની મૂડી છે. લગભગ વર્ષ પહેલા આ ઢાળિયામાં શોર્ટ સર્કિટથી આગ લગતા બધી ઘર સામગ્રી આગમાં બળીને ખાખ થઈ ગયેલ. સાથે ઢાળિયામાં બાંધેલ એક ભેંસ અને એક પાડી પણ આગમાં સપડાઇ ગયેલ. લગ્ન ગાળાને કારણે આખું કુટુંબ બહાર હોઈ, પડોશીએ આગને બુજાવી હતી, પાડીનું તરત જ મોત નીપજેલ. બીજી ભેંસ ખૂબ જ ગંભીર રીતે દાજી ગયેલ અને જીવવાની શક્યતાઓ પણ નહોતી. આ પરિવારને હવે જીવાદોરી માટે ભેંસ પર જ આશા હતી. જો કે ત્યારબાદ પશુ ડોક્ટર દ્વારા આ ખૂબ ગંભીર કેસની સારવાર મળતા થોડી રાહત થઈ હતી. પછી ઉપરાપર ૧૨ વખત સારવાર સેવા ભાવથી કરીને ભેંસને જીવનદાન આપ્યું હતું. ડો. નયન જોષી દ્વારા આ તમામ સારવાર નિશુલ્ક કરવામાં આવી હતી, ઉપરાંત તેમણે રૂજ લાવવા માટે ટીકડા, ટ્યુબ તેમજ અંદાજિત ૧૫ કિલો મિનરલ પાવડર પણ સ્વખર્ચે પૂરું પાડેલ. મહુવા પશુદવાખાના દ્વારા પણ જરૂરી દવાઓ મળેલ. ખૂબીની વાત એ છે કે ભેંસનો ૭૦ ટકા જેટલો ભાગ દાજી જવા છતાં તે ૨ મહિના ગર્ભવતી હતી, પરંતુ સચોટ, સમયસર સારવાર અને પશુ પાલકની સાર-સંભાળને કારણે મહિના પહેલા જ તેણે તંદુરસ્ત પાડીને જન્મ આપ્યો. આમ, સેવાભાવના દ્વારા કુદરતે આપેલ એક બક્ષિશ ગણી શકાય, જે જવલ્લે જ જોવા મળે.