ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ દ્વારા એમએસએમઇ ઉદ્યમીઓ માટે આજરોજ ભાવનગર ખાતે ટાઉન હોલ મીટીંગ યોજાઇ હતી. ટાઉન હોલ મીટીંગ યોજવા પાછળના ઉદ્દેશો ઉદ્યમીઓમાં બેન્કીંગ સવલતોની જાગરૂકતા બનાવવી. બેન્કો સાથે ન જોડાયેલા ઉદ્યોગસાહસિકોને ઔપચારીક બેંકીંગ સીસ્ટમ સાથે જોડવા. હિસ્સેદારો વચ્ચે દ્વિમાર્ગીય સંચાર માટે એક પ્લેટફોર્મ બનાવવું તેમજ એમએસએમઇ એકમો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને મીટીંગ દરમ્યાન ઉભા થયેલા પ્રશ્નોમાં બેન્કો અને અન્ય હિસ્સેદારો દ્વારા આપવામાં આવેલ જવાબો નોંધ કરવા માટેનું એક પ્લેટફોર્મ બનાવવું વગેરે હતા.
ટાઉન હોલ મીટીંગનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દિવ અને દાદરા નગર હવેલી માટેના ભારતીય રિઝર્વ બેન્કના પ્રાદેશિક નિયામક સંતોષકુમાર પાણીગ્રાહી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તેમાં બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને અન્ય બેંકોના વરીષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. જિલ્લા ઉદ્યોગકેન્દ્ર, નાબાર્ડ, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને ઉદ્યોગ સંગઠનોના અધિકારીઓ સહિત ૧૬૦ થી વધુ એમએસએમઇ ઉદ્યોગ સાહસિકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.