ભાવનગરમાં ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો, ૩૪ ગામો એલર્ટ

1596

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોન સીસ્ટમ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર – ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને તા.૧૨ થી ૧૩ ના રોજ સૌરાષ્ટ્ર-ગુજરાત પર ત્રાટકે તેવી સંભાવના હોય સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતની સાથો સાથ ભાવનગરમાં પણ ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હોય તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાનાં દરિયાકાંઠાના ૩૪ ગામોને એલર્ટ કરી દેવાયા છે. અને બચાવ કામગીરી સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાજ્યભરની સાથોસાથ વાવાઝોડાની સંભાવનાના પગલે ભાવનગરની શાળાઓમાં પણ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયકલોન સીસ્ટમ ‘વાયુ’ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર – ગુજરાતનાં દરિયાઇ ગામો માટે ચેતવણીની આગાહી  કરવામાં આવી છે. જે તા.૧૨ અને તા.૧૩ જુનનાં રોજ ત્રાટકી શકે છે. તેવી આગાહીના ંપગલે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે. સંભવીત ‘વાયુ’ વાવાઝોડાનાં પગલે ભાવનગર જિલ્લાનાં ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરનાં ઘોઘા સહિત બંદરો ઉપર ખતરાંના સિગ્નલો લગાવીદેવામાં આવ્યા છે. અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઇ છે. અને દરિયામાં હોય તેવા માછીમારોને બોટ સાથે પરત બોલાવાયા છે. જેનાં પગલે તમામ બંદરો ઉપર બોટો લાંગરી દેવાઇ છે.

‘વાયુ’ વાવાઝોડું મહુવા – પોરબંદર વચ્ચે તા.૧૨ નાં રોજ રાત્રીનાં પસાર થવાની શક્યતાઓ દર્શાવાઇ રહી છે. તેમાં ૧૨૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે ભાવનગર શહેરમાં તેની અસર ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે થશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે દરિયા કાંઠાનાં ગામોમાં તેની વધારે અસર રહેશે.

રાજ્યભરમાં સંભવીત વાવાઝોડાના પગલે ૨૨ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૨ અને તા.૧૩ ના રોજ રાજ્યભરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે રજા જાહેર કરાઇ છે. પરંતુ અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાના સ્ટાફે તેમનાં મુખ્ય મથક ન છોડવા સૂચના આપવામાં આવી છે.

સંભવીત વાવાઝોડાનાં પગલે વહિવટી તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારનાં લોકો તથા નિચાણવાળા વિસ્તારનાં લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઇ છે. જ્યારે વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી સર્જાનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ હાથ ધરાઇ છે. તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. અને તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા પણ આદેશ અપાયા છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

  • રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
  • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
  • આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો.
  •  સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો.
  • ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
  • માછીમારોને દરિયામાં જવું નહિં. બોટ સલામત સ્થળે લાંગરવી.
  •  અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.
  •  આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો.
  • સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કિટ સાથે રાખો.
  • અગત્યના ટેલીફોન નંબર હાથ વગાં રાખો.

વાવાઝોડા દરમ્યાન સાવચેતી

  • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
  • રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
  • વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ ન કરો.
  • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
  • વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી.
  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઇનો નજીક ઉભા રહેશો નહીં.
  • વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
  • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
  • અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો.
  • ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદની કામગીરી

  • બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
  • અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઇ જવા.
  • જરૂર પડે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
  • ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
  • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

૩૪ ગામોને એલર્ટ કરાયા

સંભવીત ‘વાયુ’ વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાનાં દરિયાકાંઠાના ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર તાલુકાનાં કાળાતળાવ, હાથબ, નર્મદ, કોળીયાક, જશવંતપુર, કોટડા, ખેતાખાટલી તથા ગણેશગઢ જ્યારે ઘોઘા તાલુકાનાં કુડા, ઘોઘા, તેમજ અવાણીયા જ્યારે મહુવા તાલુકાનાં નીચા કોટડા, દયાળ, કળસાર, નૈપ, નિકોલ, વાઘનગર, કતપર, ખરેડ, ગઢડા, ગુજરડા, દુધેરી, ડોળીયા તેમજ પઢીયારકા અને તળાજા તાલુકાનાં અલંગ, મીઠીવીરડી, સરતાનપર, રેલીયા, ગઢુલા, ઝાંઝમેર, મેથળા, મધુવન, જુના રાજપરા અને તરસરા ગામોને સાવચેત કરાયા છે.

વાવાઝોડા આગાહિ મુદ્દે મહાપાલિકા કક્ષાએ મળેલી અધિકારીઓની ખાસ બેઠક

વાવાઝોડાની પરિસ્થિતિ આાગાહી ધ્યાને લઇને મહાપાલિકા દ્વારા અગમચેતીના પગલાંઓ લેવાની વિચારણાઓ કરવા આજે કમિશ્નર ગાંધીના અધ્યક્ષપદે એક ખાસ મહત્વની હબેઠક મળેળ બેઠકમાં બધા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. નાયબ કમિશ્નર ગોવાણી, ડે.કમિ.રાણા અને સીટી એન્જી.ચંદારાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. મળેલી આ બેઠકમાં વધુ વરસાદ પડે તો, બચાવ કામગીરી લોકોનાં સ્થળાંતર કરવા સ્કુલના મકાનો જ્ઞાતિની વાડીઓ, કોર્પોરેશનના હોલોની વ્યવસ્થા રાખવા, રસ્તા પરના વૃક્ષો માટે વિગેરે મુદ્દે ચર્ચાઓ કરી તેની તાકિદની વ્યવસ્થાઓ વિચારાય હતી.

Previous articleઆંગણવાડી બહેનો દ્વારા રેલી
Next article‘વાયુ’ વાવાઝોડાનાં પગલે હિરાભાઇ સોલંકીએ માછીમારો સાથે સાવચેતી માટે બેઠક કરી