કલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશીદારૂ છૂટથી મળી રહ્યો છે. પોલીસની કહેવાતી ખાનગી પરમિશન હેઠળ બુટલેગરો ફાટીને ધૂમાળે ગયા છે. બુટલેગરો અને રીઢા આરોપીઓની પોલીસ સ્ટેશનમાં ખૂબ ઇજ્જત હોય છે પરંતુ કોઇ સામાન્ય આમ આદમી કોઇ ફરિયાદ લઇને જાય તો તેને ધક્કે ચઢાવાય છે. કહેવાતા વહીવટદાર ક્યા પ્રકારનો પોલીસનો વહીવટ કરે છે તે પણ તપાસનો વિષય છે. જો કે આ અહેવાલ બાદ પણ ઘરના ભુવાને ઘરના ડાકલા એટલે કે કુલડીમાં જ ગોળ ભાંગવામાં આવશે તે વસ્તુ ચોક્કસ છે.
કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશીદારૂનું દૂષણ ફૂલ્યું ફાલ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની ઠેર ઠેર હાટડીઓ ચાલે છે તેમજ વિદેશી દારૂનું પણ છૂટથી વેચાણ થાય છે. સૌથી વધુ વિદેશીદારૂનું વેચાણ કલોલ શહેરમાં થાય છે. બૂટલેગરો એટલા માથાભારે હોય છે કે કોઇ તેમની સામે અવાજ પણ ના ઉઠાવી શકે. જેમાં પોલીસની રહેમનજર પણ જવાબદાર છે. પોલીસની કહેવાતી ખાનગી પરમિશન હેઠળ બૂટલેગરો ફાટીને ધુમાળે ગયા છે. બૂટલેગરો પાસેથી પોલીસ મોટો વહીવટ કરતી હોય છે.
અત્યારે હાલમાં શહેરમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં વિદેશીદારૂ છૂટથી ના મળતો હોય. વિદેશીદારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જે પોલીસથી છુપી વાત નથી. અહીં પોલીસ પોતાની અમર્યાદસત્તાનો દુુરુપયોગ કરી રહી છે. ઘણા કિસ્સાઓમાં ભ્રષ્ટ કર્મચારીઓ ખોટા કેસો પણ કરતા હોય છે. દારૂની કહેવાતી ખાનગી પરમિશન હેઠળ દારૂ પીવાના શોખીન જો એક કે બે બોટલ સાથે પકડાય તો મોટા તોડ કરવામાં આવે છે. આવા કિસ્સા તો દિનપ્રતિદિન બનતા જ રહે છે.
દારૂનો જથ્થો છેક રાજસ્થાન બોર્ડરથી લાવવામાં આવે છે. ૧૫૦ થી ૧૬૦ કિલોમીટરથી આવતો દારૂનો જથ્થો કોઇ પોલીસની નજરે જ ચડતો નથી ! દોઢસો કિલો મીટરથી દુર દારૂનો જથ્થો ભરીને આવતી ગાડીનું સુવ્યવસ્થિત કટિંગ થઇ જાય છે. આશ્ચર્યએ વાતનું છે કે બૂટલેગરો જાહેરમાં કહેતા ફરતા હોય છે કે અમારૂં ઉપર સુધી સેટિંગ છે. બૂટલેગરોના ફોનની તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓનાં હાંજા ગગડી જાય. દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ દેખાય છે.