નવા શૈક્ષણિકસત્રના પ્રારંભની સાથે એડમિશન માટે આવકનો દાખલો, આર્થિક અનામતનો દાખલો તેમજ જાતિના દાખલા લેવા માટે જિલ્લા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દિવસની અંદાજે ૧૦૦૦ જેટલી અરજીઓ આવી રહી છે. આવકના દાખલાના ધસારાને પગલે જનસેવા કેન્દ્ર તેમજ તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે વિશેષ આયોજન કરાયું છે.
ધોરણ-૧૦ અને ૧૨નું બોર્ડ પરીણામ આવી જતા મેડિકલ, ઇજનેરી, ફાર્મસી, ર્નસિંગ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી, પેરામેડિકલ, એમબીએ, બીબીએ, સાયન્સ, આટર્સ અને કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ, પીજીડીસીએ સહિતના ફિલ્ડમાં પ્રવેશની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. પ્રવેશમાં અનામત તેમજ આર્થિક અનામતનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેને પરિણામે વિદ્યાર્થીઓ જાતિના દાખલો, આવકનો દાખલો તેમજ આર્થિક અનામત માટે આવકનો દાખલો જરૂરી હોય છે. આથી આવકનો દાખલો કઢાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોનો ધસારો છે.
જિલ્લા કલેક્ટરના જનસેવા કેન્દ્ર ખાતે દાખલા માટે અરજદારોના ધસારાને પગલે અરજદારોને અન્યાય થાય નહી તે માટે ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે. ટોકન નંબરના આધારે દાખલો આપી દેવામાં આવે છે.
જિલ્લા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આવકના દાખલાની અંદાજે ૧૦૦૦, જાતિના દાખલા માટે અંદાજે ૪૦૦ અને આર્થિક અનામતના દાખલાની અંદાજે ૫૦૦ અરજીઓ રોજ આવે છે. અરજીઓનો અભ્યાસ કરીને યુદ્ધના ધોરણે અરજદારને દાખલો આપી દેવામાં આવતો હોવાનું મામલતદાર સુનિલભાઇ રાવલે જણાવ્યું છે.