એક તરફ ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક જ અઠવાડિયામાં બીજી વાર ભુકંપનો આચંકો અનુભવાયો છે. બપોરે ૪.૧૭ વાગ્યે ૨.૩ની તીવ્રતાનો ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. અગાઉ કરતા ઓછી તીવ્રતાના ભુકંપથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જાનમાલને કોઇ જ નુકશાન નથી. જોકે, વાવાઝોડું, આકરી ગરમી અને ભુકંપના આંચકાને પગલે કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલી સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરથી ૩૨ કિલોમીટર દુર અમીરગઢના કેંગોરા ગામે ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું.
ગત ૬ જૂનના રોજ પણ ૪.૮ની તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૧૦ સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૮ની હતી. પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનો એપી સેન્ટર અંબાજીથી ૨૪ કિમી. દૂર ભાયલા ગામે નોંધાયો હતો.