‘વાયુ’ વેરશે ૪૮ કલાક ‘વિનાશ’

632

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે ૫ વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી ૧૬૫ કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને ૧૫મીએ વહેલી સવારે ૩ વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે. જ્યાં ૧૬મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ૪૮ કલાક સુધી ધમરોળશે અને ૧૫મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે. અરબી સમુદ્રમાં વેરાવળથી ૩૪૦ કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ ૧૩ જૂન વહેલી સવારે ૩ વાગ્યે વલસાડને અસર કરીને ૫ વાગ્યે ૧૬૫ કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે ૮ વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે ૮ વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ ૧૪મીએ સવારે ૩ વાગ્યે નવાબંદર, સવારે ૫ વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. ૧૪મી સાંજે ૬ વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને ૧૫મીએ વહેલી સવારે ૩ વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું ૧૬મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.

‘વાયુ’નો વધુ અહેવાલ છેલ્લા પાને..

સરકારની ગણતરી અને ધારણા છે કે વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૩૧ તાલુકામાં અસર થશે તેમજ ૬૦ લાખથી વધુ લોકો વાવાઝોડાને કારણે પ્રભાવિત થશે. પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લાની શાળા કોલેજો આજે અને આવતીકાલે બંધ રહેશે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં ૮ ઈંચ વરસાદ થવાની સંભાવના છે.

તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક ૨ નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના ૧૦ અને માળિયા તાલુકાના ૪ ગામોને એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યું છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે.

મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે. વાયુ વાવાઝોડાને પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ  છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ-ગાંધીધામ જતી ટ્રેનો કેન્સલ કરાઈ છે. તમામ પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ છે. સાંજે ૬ વાગ્યાથી ૧૪ જૂન સુધી વાવાઝોડાના પગલે તમામ ટ્રેનો રદ્દ રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અગાઉ ગાંધીનગર ખાતે સ્પેશ્યિલ બેઠક બોલાવીને વાવાઝોડા પૂર્વેની તૈયારીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ચીફ સેક્રેટરી જે એન સિંઘ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, ડીજી શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર ૩૫૦ કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને પગલે રાજ્યના ૬ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ૬ જિલ્લાના ૨૩ તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મી.મી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યભરમાં વરસાદી વાદળાઓથી આકાશ છવાઈ ગયું હતુ.

Previous articleઅંબાજી નજીક ૨.૩ની તીવ્રતાનો ભૂંકપ, અમીરગઢનું કેંગોરા ગામ ભૂંકપનું એપી સેન્ટર
Next articleપાણીની બોટલ સાથે એક લાખ સુકા ફુડ પેકેટ સૌરાષ્ટ્ર રવાના કરાયા