ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિલોમીટરના વિસ્તારના ગામોમાં કાચા, અર્ધ પાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર કચ્છના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સિંગ સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વિજય રૂપાણીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, વાયુ વાવાઝોડા બુધવારની મધ્ય રાત્રિ અથવા તો ગુરુવારે બપોરના ગાળામાં ત્રાટકી શકે છે. આ ગાળા દરમિયાન ૧૬૦ કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ભારે વરસાદ પણ થઇ શકે છે. વાવાઝોડાની તીવ્રતા વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, નિચાણવાળા વિસ્તારના નાગરિકોને સજાગ કરીને તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલા, શિફ્ટિંગ જેવી કામગીરીથી ઝીરો ટોલરન્સ, ઝીરો કેજ્યુઆલીટીના ધ્યેય સાથે વાવાઝોડાનો સામનો કરવા પુરુષાર્થ કરવાનો છે. જિલ્લા તંત્રવાહકોને માલ, મિલકત નુકસાન, ઢોર ઢાકર અને માનવ હાનિ ન થાય તે માટે સલામતભર્યુ આયોજન કરવાની તાકિત કરી છે. જિલ્લા કલેક્ટરોને એમ પણ કહ્યું છે કે, પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓને બાંધીને ન રાખે જેથી પશુ જીવન હાનિ પણ નિવારી શકાય. સ્થળાંતરની પ્રક્રિયામાં પ્રજાજન સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે. રૂપાણીએ જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરીને સંબંધિત જિલ્લાની સજ્જતા અને સતર્કતાની માહિતી મેળવી હતી. ઉચ્ચ સ્તરીય બેઠકોની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ ગુજરાતના સંપર્કમાં છે. રાજ્યમાં સંભવિત આપદાને પહોંચી વળવા ૪૭ ટીમ એનડીઆરએફનીઆવી ચુકી છે.
સૌરાષ્ટ્રના વિમાની મથકો, તીર્થ ધામોની બસ સેવા તથા દરિયા કિનારાના રેલવે સ્ટેશનોની રેલ સેવા બંધ કરી દીધી છે. રાજ્યના બંદરો ઉપર યાતાયાત અને માલવાહનની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. દરિયા કિનારાના ગામોની હોડી અને બોટ અને માછીમારો દરિયામાં નથી તેની ખાતરી કરવામાં આવી છે.