અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ ‘વાયુ’ વાવાઝોડું મધરાત બાદ ભાવનગર જિલ્લાનાં મહુવા સહિત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળશે. વાવાઝોડાની અસરના પગલે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના દરિયામાં બે થી ચાર મીટરના મોજા ઉછળે તેવી શક્યતા હોય, તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે બપોર બાદ પવનની ઝડપમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ભાવનગર, ઘોઘા, તળાજા, અલંગ, મહુવા સહિતના દરિયાનાં ઉંચા મોજા ઉછળવાની શરૂઆત થઇ ગઇ છે. વાવાઝોડાના કારણે ભાવનગર ઘોઘા સહિત જિલ્લાના દરિયામાં ભારે પવન ફુંકાવાની સાથો સાથ દરિયો તોફાની બને તેવી શક્યતા હોય દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથો સાથ દરિયા કે દરિયાકાંઠા વિસ્તારમાં ન જવા લોકોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
મહુવા સહિતના અસરકર્તા વિસ્તારોમાં જિલ્લા વહિવટી તંત્ર, ડિઝાસ્ટર તંત્ર ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ભાવનગર બંદર અને ખાડી વિસ્તારમાં વસવાટ કરતા ૧૫૦૦ થી વધુ લોકોને મહાપાલિકા તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભાવનગર સહિત જિલ્લાના ઘોઘા, તળાજા, અલંગ, મહુવા, સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસરના પગલે વહિવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવ્યા છે. ભાવનગર ફાયર બ્રિગેડ ટીમ પણ બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ થઇ છે, ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પાંચ લોટ, લાઇટ સહિતની સામગ્રી સાથે ટીમ તૈયાર કરવામાં આવી છે અને બચાવ અને રાહત કામગીરી માટે આદેશ મળતા જ ગમે તે સ્થળે જવા રવાના થનાર છે.
વાવાઝોડાનાં પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ત્રણ કગેદારીના પગલાં ભરવામાં આવ્યા છે. ભાવનગર, ઘોઘા,. તળાજા અને મહુવા તાલુકાના દરિયાકાંઢા વિસ્તારમાં ૪૨ ગામના ૨૨ હજાર થી વધુ લોકનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશરો આપવામાં આવ્યો છે. ભાવનગર સીટી ડીવાયએસપી સહિતની પોલીસની ટીમો દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચી હતી. દરિયાઇ પટ તથા આસપાસનાં લોકોને સ્થળાંતર કરાવાયું હતું. જેમાં ભાવનગર જિલ્લાના કુજા, કોળિયાક, હાથબ, ઘોઘા, મહુવા, અલંગ, સહિતના દરિયાકાંઠે પહોંચેલ અને સુરક્ષા વ્યવસ્થાનાં ભાગરૂપે લોકોને દરિયા દરિયા કિનારથી દુર ખસેડાયા હતા. ‘વાયુ’ વાવાઝોડુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાના પગલે ઘોઘા બંદરે અતિ ભયાનક એવું ૯ નંબરનું સિગ્નલ લગાવાયું હતું અને લોકોને સ્થળાંતર કરાવાયું હતું. ઘોઘા તેમજ અલંગમાંથી તાત્કાલીકનાં ધોરણે અસંખ્ય લોકોનું તંત્ર દ્વારા સલામત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જ્યારે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લાઇફ જેકેટ, સ્પીડ બોટ, સહિત જવાનોને તૈયાર રખાયા છે. કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ. કંટ્રોલ રૂમમાં કલેકટરની દેખરેખ હેઠળ ૨૪ કલાક માહિતી મેળવાઇ રહી છે. કંટ્રોલ રૂમની આજે રાજ્યનાં મઁત્રી વિભાવરી બેન દવે, મેયર મનહરભાઇ મોરી, ચેરમેેન યુવરાજસિંહ સહિત મુલાકાત લીધી હતી. અને વાવાઝોડાની પરિસ્થિતિ તથા તેને પહોંચી વળવા તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અંગે ચર્ચાઓ કરી માહિતી મેળવવા સાથે જરૂરી સૂચનો કર્યા હતા. આમ વાવાઝોડાના પુરતા પગલાં લેવામાં આવ્યા છે અને બને તેટલું ઓછું જાનમાલનું નુકશાન થાય તેવા પ્રયત્ન સજ્જતા દાખવી છે.