આ વર્ષે વનડે વિશ્વ કપ બાદ પ્રથમ વખત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કરાવવા જઈ રહ્યું છે. બે વર્ષના સમયગાળામાં રાખવામાં આવેલી આ ટૂર્નામેન્ટની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશિઝ ટેસ્ટ સિરીઝની સાથે થશે. ભારતનું અભિયાન ઓગસ્ટમાં કેરેબિટન પ્રવાસની સાથે શરૂ થશે. જ્યાં તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચ રમશે.
પાંચ સપ્તાહના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારત ત્રણ ટી-૨૦, ત્રણ વનડે અને બે ટેસ્ટ રમશે. ટી૨૦ સિરીઝ ૩ ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે વનડે સિરીઝ ૮ ઓગસ્ટથી રમાશે. ત્યારબાદ ૨૨થી ૨૬ ઓગસ્ટ વચ્ચે એન્ડીગાના વિવિયન રિચડ્ર્સ ગ્રાઉન્ટમાં ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ મેચ રમાશે. પ્રવાસનો અંત જમૈકાના સબીના પાર્કમાં ૩૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી રમાનારી ટેસ્ટની સાથે થશે.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના સીઈઓ જોની ગ્રેવે કહ્યું, ’ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલા હંમેશા શાનદાર રહ્યાં છે. અમે ત્રણેય ફોર્મેટમાં કેટલાક શાનદાર ખેલાડીઓને આમને-સામને જોશું. આ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧ ઓગસ્ટથી એશિઝ સિરીઝ રમાવાની છે. તેનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે. ત્યારબાદ શ્રીલંકા પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. એટલે કે લગભગ એક સમયે છ મોટી ટીમો ચેમ્પિયન બનાવાના પ્રયત્નની શરૂઆત કરશે.’
ટીમો બે વર્ષના સમયગાળામાં ૬ ટેસ્ટ સિરીઝ રમશે. તેમાંથી ત્રણ ઘરઆંગણે અને ત્રણ વિદેશી મેદાન પર હશે. આ ૯ ટીમોમાં ટોપ પર રહેનારી ૨ ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં ૨૦૨૧માં ફાઇનલ રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચચે રમાનારી ટી૨૦ સિરીઝની શરૂઆતી બે મેચ અમેરિકાના ફ્લોરિડા સ્થિત લોડરહિલના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ૬ ઓગસ્ટે સિરીઝની અંતિમ મેચ ગુયાનાના નેશનલ સ્ટેડિયમમાં હશે. તેના પર વેસ્ટ ઈન્ડિઝ બોર્ડના માર્કેટિંગ ડાયરેક્ટર ડોમિનિકે વોર્ને કહ્યું કે, અમે ઉત્તરી અમેરિકામાં રહેલા વેસ્ટ ઈન્ડિઝના લોકોને પણ ક્રિકેટનો આનંદ આપવાની તક આપવા ઈચ્છીએ છીએ. આ સાથે તેનાથી અમેરિકામાં ક્રિકેટને પ્રચારિક કરી શકાય.