નર્મદા ભુવન સ્થિત જન સેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ પગાર વધારા સહિતના પ્રશ્નો હલ ન થતાં હડતાળ ઉપર ઉતરી ગયા હતા. અને તેઓની માંગણી પૂરી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં જન સેવા કેન્દ્ર ખાતે વિવિધ કામ માટે આવેલા લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી.વડોદરાની પ્રજાને એક જ સ્થળે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે નર્મદા ભવન ખાતે જન સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં હંગામી કર્મચારીઓ નોકરી કરે છે. હંગામી કર્મચારીઓ દ્વારા અવાર-નવાર જન સેવા કેન્દ્રના સંચાલકોને પગાર વધારા સહિતની માંગણી અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કેન્દ્રના સંચાલકો દ્વારા કોઇ દાદ આપવામાં આવી ન હતી.દરમિયાન જન સેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. અને કેન્દ્રના સંચાલકો સમક્ષ પોતાની માંગણીને લઇને દેખાવો કર્યાં હતા. જેથી જનસેવા કેન્દ્રના કર્મચારીઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. અને પગાર વધારા સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી માંગણી પૂરી કરવામાં નહીં આવે, ત્યાં સુધી કર્મચારીઓ કામથી અલિપ્ત રહેશે.