રાજ્યભરમાં વાયુ વાવાઝોડા નામનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે હવે આ વાવઝોડું દરિયાકાંઠા પાસેથી ઓમાન તરફ જતું રહેવાનું છે. ત્યારે વાયુનાં સંકટની અસર ઓછી થઇ છે પરંતુ તેનો ખતરો ઓછો થયો નથી.
રાજ્યનાં દરિયા કિનારે આગામી ૪૮ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે ઊંઝા એપીએમસી અસરગ્રસ્તો માટે ૫૦૦૦થી વધૂ ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યાં છે. આ ફૂડ પેકેટમાં તીખી સેવ, મગદળ, મિનરલ પાણી મુકવામાં આવ્યાં છે. આ ફૂડ પેકેટ તૈયાર કરવા માટે અનેક મહિલાઓ અને પુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે. ઊંઝા એપીએમસી ઉપરાંત પણ અનેક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તોને મદદ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં ૫૦થી વધુ ગામોમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. સાગબારા હાઇવે પર વૃક્ષો તૂટી પડતાં બે કલાક સુધી ચકકાજામ રહ્યો હતો.
બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. પ્રથમ વરસાદે મહેસાણામાં વીજળી ડૂલ થઈ જતાં શહેરમાં અંધારાપટ છવાઈ ગયું છે.