યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે, કેન્દ્રમાં સત્તા પર બની રહેવા અને મોદીને વડાપ્રધાન બનાવી રાખવા માટે સત્તાધારી પક્ષે (ભાજપ) મર્યાદાની તમામ હદ વટાવી હતી. મતદાતાઓને આકર્ષવા માટે તમામ પ્રકારના પ્રપંચોનો ઉપયોગ કર્યો હતો. બધાં જ જાણે છે કે લોકસભા ચૂંટણીમાં જે કંઈ પણ થયું, તે નૈતિક હતું કે અનૈતિક. આ પહેલાં સોનિયા અને પ્રિયંકા ગાંધીએ પદાધિકારીઓની સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી.
લોકસભા ચૂંટણી પછી રાયબરેલી પહોંચેલા સોનિયાએ કહ્યું, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી ચૂંટણી પ્રક્રિયામાં અનેક પ્રકારની શંકાઓ સામે આવે છે. તેનાથી મોટું દુર્ભાગ્ય કોઈ ન હોય શકે કે સત્તા બચાવવા માટે તમામ મર્યાદા ઓળંગવામાં આવી.” પ્રિયંકાએ કોંગ્રેસને હાર માટે કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યાં. તેઓએ કહ્યું કે હું તે કાર્યકર્તાઓની ભાળ મેળવીશ જેઓએ પાર્ટી માટે ચૂંટણી દરમિયાન કોઈ કામો કર્યા નથી.
કાર્યકરોને કારણે નહીં પરંતુ મતદાતાઓના પ્રયાસથી જીત મળી : પ્રિયંકા ગાંધી
યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મતદારોનો આભાર પ્રગટ કરવા માટે રાયબરેલીની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીમાં વિજય બાદ સોનિયા ગાંધીની આ પ્રથમ યાત્રા હતી. પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે પાર્ટી કાર્યકરોની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, હું બોલવા નથી માંગતી પરંતુ મારે બોલવું પડે છે કે સોનિયા ગાંધી રાયબરેલીની બેઠક પક્ષના કાર્યકરોને લીધે નહીં પરંતુ મતદાતાઓના પ્રયાસને કારણે જીતી શક્યા છે. પ્રિયંકા ગાંધીએ મતાદારોને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે, યુપીએ અધ્યક્ષાને પાંચમાં કાર્યકાળ માટે સંસદમાં મોકલવા માટે તમારો ખૂબ-ખૂબ આભાર. આ રેલીમાં લગભગ ૨,૫૦૦ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓને ચેતાવણી આપી હતી કે તેઓ તે લોકોને શોધી કાઢે જેમણે પાર્ટીના પક્ષમાં કામ કર્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું અહિંયા કોઇ ભાષણ આપવા નથી માંગતી તેમ છતાં મારે બોલવું પડશે, મને સાચી વાત કહેવા દો. હકીકત એ છે કે આ ચૂંટણીમાં સોનિયા ગાંધી અને રાયબરેલીના લોકોને કારણે જીત પ્રાપ્ત થઇ છે.