ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મોટાભાગે ટળી ગયો છે પરંતુ તેની અસર આગામી દિવસોમાં રહી શકે છે જેના ભાગરુપે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. વાવાઝોડાએ દિશા બદલી હોવા છતાં તંત્ર હજુ પણ સંપૂર્ણપણે સજ્જ છે. કોઇપણ તક લેવા તંત્ર તૈયાર નથી. ભારે વરસાદથી પણ નુકસાન થવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા છે. રાજ્યમાં વાયુ વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે. જેને લઈ મહેસૂલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે બપોર સુધીમાં આ વાવાઝોડું ઉત્તર સૌરાષ્ટ્ર થઈ પસાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિ.મી.નો છે. જ્યારે વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાક ૧૪૦ કિ.મી.ની યથાવત રહેશે.
પરિણામે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી ૧૦૦ કિલોમીટર દૂર છે અને દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ૧૪૦ કિ.મી.ની ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ ઉપરાંત વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેનું સંકલન ખોરવાઈ ન જાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં સેટેલાઇટ ફોન, હેમ રેડિયો સર્વિસ, વી.સેટ, વાયરલેસ, અને લેન્ડલાઈન સિસ્ટમ કાર્યાન્વિત કરી હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સ્થળાંતર કરેલા નાગરિકો માટે ૧૦ લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટથી અંદાજે એક લાખ ફૂડ પેકેટ ગીર સોમનાથ માટે મોકલી આપ્યા છે. બીજીબાજુ, પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ૪૭, એસડીઆરએફની ૪૫, એસઆરપીની ૧૩, અને આર્મીની ૧૧ ટીમો તૈનાત કરવામાં આવી છે, જયારે વધારાની ટીમો પણ સ્ટેન્ડ બાય રખાઇ છે. આ સિવાય આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે સરકારના વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બાદ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ગઈકાલથી ૧૩૧૬ પોલીસ સ્ટાફ અને એનડીઆરએફના જવાનો દ્વારા દરિયાઈ પટ્ટા ઉપર સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરાયુ હતું અને આ કાર્યવાહી હજુ પણ યથાવત છે. બીજી તરફ પ્રભાવિત જિલ્લાઓ માટે એનડીઆરએફની ૪૭, એસડીઆરએફની ૪૫, એસઆરપીની ૧૩, અને આર્મીની ૧૧ ટીમો હાલ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ સંભાળી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદની કામગીરી કરી રહી છે.