વાયુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. ૧૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જ્યાં વરસાદ થયો છે તેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલ્લભીપુર સહિત ૧૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે ગારિયાધાર, ઉના, બરવાળા, માંગરોલ, ગીરગઢડા, લિલિયા, સાવરકુંડલા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, ચોર્યાસી, જલાલપુર સહિત કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ થયો છે. વાયુ વાવાઝોડુનો ખતરો ગુજરાત પર નહીં આવે તેવું સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતું તેની અસર પોરબંદર, દ્વારકા, વેરાવળ અને ઓખા સહિતના દરિયાકાંઠે થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે તોફાની પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ સોમનાથ, પોરબંદર, દીવ, વેરાવળ સહિતના વિસ્તારોમાં પ્રતિ કલાક ૭૫થી ૮૦ની ઝડપે જોરદાર તોફાની પવન ફુંકાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં આજે તોફાની પવન સાથેનો ભારે વરસાદ પણ ખાબકયો હતો. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના તમામ દરિયાઓ જાણે ગાંડાતૂર બન્યા હતા અને દરિયામાં તોફાની અને ખૂબ ઉંચા મોજા ઉછળ્યા હતા. તોફાની પવનની ગતિ હજુ થોડા કલાકો સુધી ચાલુ રહે તેવી શકયતા પણ ડિઝાસ્ટર ઓફિસર કે.એસ.ત્રિવેદીએ વ્યકત કરી હતી.
બીજીબાજુ, ઉનાના રાજપરા બંદર ખાતે ગઇકાલે એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો. જેનો આજે મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇ સ્થાનિક માછીમારોમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વેરાવળમાં ભારે પવનને કારણે ૧૦થી ૧૨ જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી. વાવાઝોડાની અસરને લઇને રાજુલા અને પીપાવાવ પોર્ટ ખાતે ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવાઝોડુ જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ દરિયાઇ કાંઠા પર ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. રાજકોટ, જસદણ, આટકોટ, વીંછિયા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગોંડલમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વહેલી સવારના આંકડા મુજબ, વેરાવળમા ૯ , તાલાલા ૬, સુત્રાપાડા ૫, કોડીનાર ૭, ઉના ૧૭ અને ગીર ગઢડા ૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મોડી સાંજ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાની શરૂઆત થઇ ગઇ હતી. કેટલાક વિસ્તારોમાં તો, પ્રચંડ તીવ્રતા સાથેનો પવન (આગળના પાનાનું ચાલુ)
ફુંકાવાની સાથે વરસાદ થયો હતો. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૪૫ મી.મી., સરસ્વતી તથા હારિજમાં ૧૬ મી.મી., પાટણમાં ૧૮ મી.મી.,બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ૩૩ મી.મી., પાલનપુરમાં ૧૭ મી.મી., દિયોદરમાં ૧૪ મી.મી., દાંતા અને ડિસામાં ૧૨-૧૨ મી.મી., સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ૪૩ મી.મી., હિંમતનગરમાં ૩૪ મી.મી., ઇડરમાં ૨૨ મી.મી., ખેડબ્રહ્મામાં ૨૧ મી.મી., તલોદમાં ૨૧ મી.મી., વડાલીમાં ૧૮ મી.મી. અને મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૩૮ મી.મી., વિસનગરમાં ૩૬ મી.મી., વડનગરમાં ૨૧ મી.મી., મહેસાણામાં ૨૨ મી.મી. અને ઉંઝામાં ૧૧ મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ મી.મી. અને કલોલમાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં કચ્છ જિલ્લાના લખપતમાં ૧૬ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૨ મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૦ મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૫ મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૧૪ મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૨ મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧ મી.મી. તથા જામનગર તાલુકામાં ૨૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.