વાવાઝોડુ જેમ જેમ કાંઠા તરફ સરકી રહ્યુ છે તેમ તેમ ફીશરીઝ વિભાગ દ્વારા બંદરો પર જોખમી સિગ્નલ લગાડાઇ રહ્યા છે. પાછલા બે દાયકાના ઇતિહાસમાં જાફરાબાદ બંદર પર ક્યારેય ૯ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ ન હતું. પરંતુ આજે વાવાઝોડુ દરીયાકાંઠાથી એકદમ નજીક આવી ગયુ હોય જાફરાબાદ બંદર પર સાંજના સમયે ૯ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ હતું.
વાવાઝોડાની આગાહી સાથે જ અહિં બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયુ હતું. આજે સવારે બે અને ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ હતું. દરમિયાન વાવાઝોડાનો ખતરો વધી જતા ૯ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. બંદર પર સામાન્ય રીતે એકથી અગીયાર નંબર સુધીના સિગ્નલ લગાવાતા હોય છે. આઠ થી અગીયાર નંબરના સિગ્નલો ખૂબ જ ભયજનક સ્થિતીનો નિર્દેશ આપે છે. જો અહિં વાવાઝોડુ ભયાનક રીતે ત્રાટકે તો ૧૦ નંબરનું સિગ્નલ પણ લગાવાઇ શકે છે. દરમિયાન બોટ એસોસીએશન દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.