વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગામો જેવા કે દુધેરી, ડોળીયા, દેવળીયા, કાટપર, વાઘનગર, નઇપ,ગઢડા, દિયાલ વગેરે જેવા ૨૧ ગામના લોકો માટે મહુવા તાલુકામાં મહુવા તેમજ માઢીયા વગેરે જેવા વિવિધ ઉંચાઈવાળા સ્થળોએ સરકારી શાળાઓ, આંગળવાડી, સમાજવાડી, પ્રાથમિક આરોગ્ય કેંદ્ર વગેરે જેવા આશ્રયસ્થાનોમાં રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જયાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા બાળકો માટે દૂધ અને ગરમ નાસ્તાની તથા ત્યાં હાજર લોકો માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.પરંતુ આ વ્યવસ્થાને સુચારૂ રીતે પુરી પાડવા અને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળી રહે તે માટે શ્રમદાન અને સમયદાન કરી શકે તેવા સ્વયંસેવકોની જરૂર હતી ત્યારે મહુવા અને માઢીયાના સ્થાનિક મુસ્લિમ તેમજ કોળી સમાજના લોકો આ સેવાકાર્યમાં જોડાયા હતા અને તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ખભે ખભો મિલાવી,નાત-જાતના ભેદભાવ ભુલાવી માનવતાના યજ્ઞમાં સ્વૈચ્છિક મદદરૂપ બન્યા હતા.આમ સ્થાનિક મુસ્લિમ તેમજ કોળી સમાજના લોકોની આ સેવાકિય ભાવનાએ મહુવા પંથકમાં આ મુશ્કેલીની ઘડીમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ હતું.