વાવાઝોડાની અસરનાં પગલે ભાવ. જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ

837

સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની અસરનાં પગલે ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં મેઘરાજાનું આગમન થઇ ગયું હતું. જો કે આજે ભીમ અગિયારસનું મુહૂર્ત પણ કર્યું હતું. ભાવનગર જિલ્લામાં અડધાથી લઇને બે ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. જ્યારે વરસાદનાં પગલે જિલ્લાભરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર ‘વાયુ’ વાવાઝોડાનાં ખતરાનાં પગલે તંત્ર એલર્ટ બન્યું હતું. જ્યારે ગત રાત્રીથી જ મહુવા પંથકમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. જે આજે દિવસ દરમ્યાન પણ પડ્યો હતો. જેના પગલે મહુવામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તળાજા અને પાલીતાણા પંથકમાં દોઢેક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે દિવસ દરમ્યાન ભાવનગર શહેરમાં સમયાંતરે હળવો ભારે વરસાદ પડતા સાંજ સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેર ઉપરાંત જેસર, ઉમરાળા, ઘોઘા, વલ્લભીપુર, સિહોર સહિત પંથકમાં પણ અડધાથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે બોટાદ જિલ્લામાં પણ અડધાથી સવાઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગઢડા પંથકમાં ધોધમાર સવા ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં આજે ભીમ અગિયારસનાં દિવસથી વરસાદનો પ્રારંભ થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. જ્યારે વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દિવસભર સમયાંતરે પડેલા વરસાદમાં બાળકો એ ન્હાવાની મજા માણી હતી. તો વાહન ચાલકોને પણ પ્રથમ વરસાદમાં ભીંજાવાની મજા પડી ગઇ હતી. શહેરમાં પડેલા વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જો કે ઉનાળાની કાળઝાળ ગરમી બાદ પડેલા વરસાદથી ધરતી તૃપ્ત થઇ હતી. આમ સિઝનના સૌ પ્રથમ વરસાદથી લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી.

Previous articleસ્વામીનારાયણ મંદિરે આમ્રોત્સવ
Next article‘વાયુ’ વાવાઝોડાની અસર : દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા